કાલાવડ તાલુકાના નિકાવા ગામમાં પાણીના ટાંકા પાસે રહેતાં પ્રૌઢના બંધ મકાનમાંથી તસ્કરોએ તાળા તોડી અંદર પ્રવેશ કરી રૂમના લાકડાના કબાટની તિજોરીમાં રાખેલી રૂા. 23000ની રોકડ ચોરી કરી ગયા હતાં. જામનગરમાં ધરારનગર વિસ્તારમાં રહેતા શ્રમિક યુવાનના ઘર નજીક રાખેલો રૂા. 55000ની કિંમતનો પિત્તળનો સામાન તસ્કરો ચોરી કરી ગયા હતાં.
ચોરીના બનાવની વિગત મુજબ પ્રથમ બનાવ કાલાવડ તાલુકાના નિકાવા ગામમાં પાણીના ટાંકા પાસે રહેતાં અને નોકરી કરતાં જેન્તીલાલ સોંદરવાના બંધ મકાનમાં ગત તા. 6ના રોજ સવારના ત્રણ કલાકના સમય દરમિયાન અજાણ્યા તસ્કરોએ દરવાજાના નકુચા તોડી મકાનમાં પ્રવેશ કરી રૂમના લાકડાના કબાટની તિજોરીમાં રાખેલી રૂા. 23000ની રોકડ રકમ ચોરી કરી ગયા હતાં. આ અંગેની જેન્તીભાઇ દ્વારા જાણ કરાતાં હેકો જી.આઇ જેઠવા તથા સ્ટાફે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
બીજો બનાવ જામનગર શહેરનાં ધરારનગર વિસ્તરામાં આંબેડકરધામમાં રહેતાં ભૂપતભાઇ વાઘેલા નામના વૃધ્ધ શ્રમિકના ઘર બહાર રાખેલા રૂા. 55000ની કિંમતના પિત્તળના નટ-બોલ્ટનો કાચો-માલ સામનની 110 કિલો વજનની પાંચ બોરીઓ અજાણ્યા તસ્કરો ચોરી કરી ગયાની જાણ કરતાં હેકો વાય.વી. જાડેજા તથા સ્ટાફે ગુનો નોંધી તપાસ આરંભી હતી.