જામજોધપુર તાલુકાના ગોપ ગામમાં રહેતાં ભરવાડ યુવાનની માલિકીના ખેતરમાં ચાર અજાણ્યા શખ્સોએ ગેરકાયદેસર પ્રવેશ કરી ધાણાના પાંચ ઢગલાઓ પૈકીના બે મોટા ઢગલાઓમાં આગ ચાંપી 48 મણ ધાણા બાળી નાખી નુકસાન પહોંચાડયાની ફરિયાદમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ જામજોધપુર તાલુકાના ગોપ ગામની સીમમાં વર્તુ ડેમના પાટીયા પાસે આવેલા દાનાભાઈ મેરુભાઈ મુંધવા નામના યુવાન ખેડૂતનાં ખેતરમાં ચાર અજાણ્યા શખ્સોએ રાત્રિના સમયે ગેરકાયદેસર પ્રવેશ કરી શિયાળુ પાક ધાણાના પાંચ ઢગલા પૈકીના બે મોટા ઢગલા આશરે રૂા. 72 હજારની કિંમતનો 48 મણ ધાણાનો જથ્થો સળગાવી નાખી નુકસાન કર્યુ હતું. આ પાકનો જથ્થો સળગાવી નાખ્યાની ખેડૂત દાનાભાઈએ ચાર અજાણ્યા શખ્સો વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઈ એમ.જી. વસાવા તથા સ્ટાફે તપાસ આરંભી હતી.