જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા શહેરની વિવિધ બેકરી તેમજ આઇસ્ક્રીમ પાર્લરમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. તેમજ છેલ્લા એક અઠવાડીયામાં શહેરમાં આવેલ મટન/ચિકનની પેઢીની મુલાકાત લઇ સિલ કરવાની કામગીરી કરવામાં આવી હતી.
જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજયકુમાર ખરાડીની સૂચના હેઠળ ફૂડ શાખા દ્વારા બેકરી/પ્રોવિઝન, આઇસ્ક્રીમ પાર્લરમાં ચેકિંગ કાર્યવાહી હાથ ધરાઇ હતી. જેમાં મુલ્લામેડી રોડ વિસ્તારમાં આવેલ સિલ્વર બેકરી, પખરી બેકરી/સ્વીટ, બાબાજી પ્રોવિઝન, સાગર આઇસ્ક્રીમ તથા રોયલ આઇસ્ક્રીમમાં ચેકિંગ દરમિયાન સાફ-સફાઇ અને સ્વચ્છતા જાળવવા સહિતની સૂચનાઓ આપવામાં આવી હતી.
આ ઉપરાંત હાઇકોર્ટના આદેશ અનુસંધાને જામનગર વિસ્તારમાં આવેલ મટન/ચિકનની પેઢી તેમજ સ્લોટર હાઉસની રુબરુ મુલાકાત લઇ એસ્ટેટ અધિકારી/સિક્યોરીટી ઓફિસર/શોપ ઇન્સ્પેકટર સાથે રોજકામ કરી સિલ કરવાની કામગીરી કરવામાં આવી હતી. તેમજ એડિશનલ કલેકટર સમક્ષ સ્લોટર હાઉસના મિટ/ચિકનશોપના 9 આસામીઓ સામે કેસની સુનાવણી હાથ ધરાઇ હતી. રસિલાબેન હુશેનઅલી ઘોલીયાની નેશનલ બેકરીની આવેલ ફરિયાદ અન્વયે રુબરુ તપાસ કરી પેઢીમાં ચિમની ઉંચી કરી લેવા તથા ભઠ્ઠીની જગ્યામાં ફેરફાર કરી લેવા અંગે નોટીસ આપવામાં આવી હતી.