તુર્કી, સિરિયા સહિત 4 દેશોમાં 7.8 ના વિનાશક ભૂકંપે સર્જેલી તબાહીના ભયાનક દ્રશ્યો સામે આવ્યા છે. ભયાનક ભૂકંપ અત્યાર સુધીમાં 4,300થી વધુ લોકોને ભરખી ગયો છે. જયારે હજારો લોકો હજુ પણ ઇમારતોના કાટમાળ હેઠળ દબાયેલા છે. એક અંદાજ મુજબ 30,000થી વુધ લોકોના મોતની આશંકા સેવાઇ રહી છે. સમગ્ર વિશ્ર્વ સાથે ભારત પણ ભૂકંપ પ્રભાવિત દેશોની વ્હારે આવ્યું છે. ભારતે સી-17 ગ્લોબ માસ્ટરમાં રાહત અને બચાવ ટુકડી સાથે રાહત સામગ્રી પણ મોકલી છે. જયારે પ્રધાનમંત્રીએ ભૂકંપમાં માર્યા ગયેલા લોકોના પરિજનો પ્રત્યે સહાનુભૂતિ વ્યકત કરી મૃતકોને શ્રધ્ધાંજલિ પાઠવી છે. વિશ્ર્વના દેશો પણ તુર્કીની સહાયતા માટે આગળ આવ્યા છે. જેમાં યુધ્ધગ્રસ્ત યુક્રેને પણ તુર્કીના લોકોને સહાય કરવા તૈયારી દર્શાવી છે.
ભૂકંપના કારણે સર્જાયેલી તબાહી વચ્ચે તુર્કીમાં ફરી એકવાર તીવ્ર ભૂકંપનો આંચકો અનુભવાયો છે. યુએસ જિયોલોજિકલ સર્વેની વેબસાઈટ અનુસાર, આજે પણ તુર્કેઈમાં ભૂકંપનો તીવ્ર ઝટકો અનુભવાયો હતો. સવારે 9.45 કલાકે આંચકા નોંધાયા હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.5 હતી.
ભૂકંપને કારણે તુર્કેઈ અને સીરિયા સહિત ચાર દેશોમાં ભારે તબાહી સર્જાઈ હતી. આખા દિવસમાં ત્રણ વખત અહીં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. ભૂકંપના કારણે અનેક ઈમારતો ધરાશાયી થઈ ગઈ હતી. મૃત્યુઆંક હજુ વધવાની આશંકા છે. તુર્કેઈમાં સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. મળતા અહેવાલો મુજબ, તુર્કેઈ અને સીરિયામાં ઓછામાં ઓછા 4300 લોકોના મૃત્યુ થયા છે અને 15000થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. દેશના વાઇસ પ્રેસિડેન્ટના અહેવાલ મુજબ, 10 શહેરોમાં 1,700 થી વધુ ઇમારતોને નુકસાન થયું છે. તેમજ સીરિયામાં ઓછામાં ઓછા 783 લોકોના જીવ ગયા અને 639 ઘાયલ થયા છે. ઈઝરાયલ અને લેબનોનમાં પણ અનેક મોતની આશંકા સેવાઈ રહી છે.