જામનગર જિલ્લાના સીક્કા ગામના પાટીયા પાસે ટ્રાન્સપોર્ટના વ્યવસાયી યુવાન ઉપર ગાડી પાર્ક કરવા બાબતે ચાર અજાણ્યા શખ્સોએ બોલાચાલી કરી ઝપાઝપી બાદ લોખંડના પાઇપ વડે માર મારી હુમલો કર્યો હતો.
હુમલાના બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના સીક્કા ગામમાં પંચવટી સોસાયટીમાં રહેતા અને ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતો જાફરભાઈ યુસબભાઈ વસા નામનો યુવાન રવિવારે રાત્રિના સમયે સીક્કા પાટીયા પાસે તેની સ્વીફટકાર જીજે-10-ડીજે-0920 નંબરની પાર્ક કરી ચા-પાણી પીતો હતો તે દરમિયાન અજાણ્યા બાઈકચાલકે આવીને ટ્રાન્સપોર્ટર સાથે ગાડી પાર્ક કરવા બાબતે બોલાચાલી કરી ઝપાઝપી કરી હતી. દરમિયાન શખ્સે અન્ય વ્યક્તિને ફોન કરીને બોલાવતા મહેશ મોગલ અને ત્રણ અજાણ્યા સહિતના ચાર શખ્સોએ એકસંપ કરી લોખંડના પાઈપ વડે જાફરભાઈ ઉપર હુમલો કરી ઈજા પહોંચાડી હતી. હુમલામાં ઘવાયેલા જાફરભાઈને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણ થતા હેકો આઈ.ડી. જાડેજા તથા સ્ટાફે ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.