જામનગર તાલુકાના ઠેબા ગામમાં બાળકોની બાબતે બોલાચાલી કરવાની ના પાડતા ભરવાડ યુવાનની રીક્ષા ગામના જ એક શખ્સે જ્વલનશીલ પદાર્થ છાંટી સળગાવી દઈ પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના ઠેબા ગામમાં ભરવાડપાળા વિસ્તારમાં શનિવારે મધ્યરાત્રિના સમયે બાળકો વચ્ચેના ઝઘડો કરવાની ચનાભાઈ સરસીયા નામના યુવાને ના પાડી હતી. જેનું મનદુ:ખ રાખી ગામમાં રહેતાં હેમંત લખુ ગમારા નામના શખસે ચનાભાઈનો ભાડાનો છકડો રીક્ષા જીજે-03-વી-4155 ઉપર કોઇ જ્વલનશીલ પદાર્થ છાંટી સળગાવી નાખ્યો હતો. તેમજ ચનાભાઈને અપશબ્દો બોલી પોલીસ ફરિયાદ કરીશ તો પતાવી દેવાની ધમકી આપી હતી. છકડો સળગાવી ધમકી આપ્યાના બનાવની જાણ થતા હેકો એચ.બી. પાંડવ તથા સ્ટાફે હેમંત ગમારા વિરુધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.