જામનગર શહેરમાં ખોજા ગેઈટ પાસે જૂની માથાકૂટનો ખાર રાખી યુવાન ઉપર ચાર શખ્સોએ ધારિયા, પ્લાસ્ટિકના પાઇપ અને લાકડાના ધોકા વડે હુમલો કરી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે હુમલાખોરોની શોધખોળ આરંભી હતી.
મારામારીના બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં ખોજા ગેઈટ પાસેના વિસ્તારમાં રહેતો યાસીન ઈનાયત ખુરેશી નામના યુવાન ઉપર હાજી સુલતાન સુમરા સાથે થયેલી જૂની માથાકૂટનો ખાર રાખી હાજી સુલતાન, અબ્દુલ, મુસ્તાક, કાળો નામના ચાર શખ્સોએ એકસંપ કરી પ્લાસ્ટિકનો પાઈપ, ધારિયા અને લાકડાના ધોકા વડે આડેધડ ઘા ઝીંકી પતાવી દેવાની ધમકી આપી હતી. તેમજ ઢીકાપાટુનો માર મારી ઈજા પહોંચાડી હુમલાખોરો નાશી ગયા હતાં. હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણ થતા પીએસઆઈ બી.એસ.વાળા તથા સ્ટાફે યાસિનના નિવેદનના આધારે ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.