મહિલા પ્રીમિયર લીગની શરૂઆત ચાર માર્ચથી થઈ રહી છે જેની પહેલી મેચ મુંબઈ-અમદાવાદ વચ્ચે રમાશે. આ લીગની પહેલી સીઝન કુલ 23 દિવસ સુધી ચાલશે જેનો ફાઈનલ મુકાબલો 26 માર્ચે રમાશે. બીસીસીઆઈએ આ લીગના કાર્યક્રમ અંગે કોઈ સત્તાવાર જાણકારી જાહેર કરી નથી પરંતુ અહેવાલો પ્રમાણે બીસીસીઆઈ મહિલા પ્રિમીયર લીગના બ્લોકબસ્ટર ઓપનિંગની યોજના બનાવી રહ્યું છે. પહેલી ટક્કર મુંબઈ-અમદાવાદ વચ્ચે થયાની છે ત્યારે મુંબઈનો માલિકીહક્ક મુકેશ અંબાણી પાસે છે તાો અમદાવાદ ટીમના માલિક ગૌતમ અદાણી છે. આ મેચમાં ભારતના આ બન્ને દિગ્ગજ ઉદ્યોગપતિઓની ટીમ આમને-સામને હશે. બીસીસીઆઈ આ ટૂર્નામેન્ટને મુંબઈના ડી.વાય.પાટીલ સ્ટેડિયમમાં શરૂ કરવાની યોજના બનાવી રહ્યું છે. આ લીગ મુંબઈના સીસીઆઈ અને ડી.વાય.પાટીલ સ્ટેડિયમમાં આયોજિત થઈ શકે છે. વાનખેડે સ્ટેડિયમ પર મહિલા આઈપીએલની મેચ નહીં રમાય કેમ કે ભારતની પુરૂષ ટીમ માર્ચ મહિનામાં ઑસ્ટ્રેલિયા સાથે આ મેદાન ઉપર વન-ડે મેચ રમવાની છે. ત્યારબાદ એપ્રિલમાં આઈપીએલ ની મેચ પણ આ મેદાન ઉપર રમાશે. આઈપીએલ પહેલાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમ પણ અહીં જ પ્રેક્ટિસ કરશે. વિમેન્સ આઈપીએલની બીજી બેચ પાંચ માર્ચે સીસીઆઈમાં બેંગ્લોર-દિલ્હી વચ્ચે રમાઈ શકે છે. સૂત્રોની માનીએ તો પાંચમાંથી ત્રણ ટીમ પ્લેઓફમાં પહોંચશે. પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહેનારી ટીમ સીધી ફાઈનલમાં જગ્યા બનાવશે.
જ્યારે બીજા અને ત્રીજા સ્થાને રહેનારી ટીમ એલિમિનેટર રમશે. અહીં જીતનારી ટીમ ફાઈનલમાં પહોંચી ગયેલી ટીમ સાથે ટકરાશે. એકંદરે લીગમાં કુલ 22 મેચ હશે. જ્યારે પાંચ દિવસ એવા હશો જ્યારે કોઈ મેચ નહીં હોય. આ દિવસોમાં 17 માર્ચ, 19 માર્ચ, 22 માર્ચ, 23 માર્ચ અને 25 માર્ચે કોઈ મેચ નહીં રમાય.