ભારતીય વાયુસેનાને હવે ટૂંક સમયમાં મીડિયમ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ મળશે. આ એરક્રાફ્ટને મેક ઈન ઈન્ડિયા અભિયાન હેઠળ દેશમાં જ તૈયાર કરાશે. આ મામલે ભારતીય વાયુસેનાએ જણાવ્યું કે ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટની જુદી જુદી ભૂમિકાઓ માટે વપરાતા ખઝઅની કાર્ગો લઈ જવાની ક્ષમતા 18થી 30 ટન વચ્ચે રહેશે. ભારતે મહત્ત્વકાંક્ષી મેક ઈન ઈન્ડિયા કાર્યક્રમના માધ્યમથી તેના સંરક્ષણ ક્ષેત્રમાં વ્યાપક પરિવર્તનની શરૂઆત કરી છે. ભારતીય સશસ્ત્ર દળોની ડિફેન્સ આધુનિકરણની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે હાલમાં મિસાઈલ, ફીલ્ડ ગન, ટેન્ક, વિમાન વાહક, ડ્રોન, લડાકૂ વિમાન, ટેન્ક અને હેલિકોપ્ટર જેવા જુદા જુદા ડિફેન્સ પ્લેટફોર્મના ઘરેલુ નિર્માણ માટે અનેક પ્રોજેક્ટ ચાલી રહ્યા છે.
કેન્દ્ર સરકાર ભારતીય સૈન્યને સમયાંતરે નવી નવી ટેક્નોલોજીથી લેસ કરી રહી છે. ગત દિવસોમાં ભારતીય સૈન્યએ સંવેદનશીલ સરહદી ક્ષેત્રોમાં તેની નિરીક્ષણ ક્ષમતા વધારવા માટે આધુનિક ડ્રોન પ્રણાલી ખરીદવા માટેની પ્રક્રિયા હાથ ધરી હતી. તેની સાથે જ સૈન્યએ જેટ પેક સૂટ અને 100 રોબોટિક મ્યૂલ ખરીદવાની પ્રક્રિયા પણ શરૂ કરી હતી.