કાલાવડ તાલુકાના નિકાવા ગામમાં આવેલા ચારણવાસમાં રહેતી માલધારી યુવતીની માતાનું સાત વર્ષ પહેલાં અવસાન થયા બાદ આઘાતમાં માનસિક બીમાર થયેલી યુવતીએ લીમડાના ઝાડની ડાળીમાં પ્લાસ્ટિકની દોરી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. કાલાવડ ગામમાં રહેતાં પ્રૌઢને તેના ઘરે હૃદયરોગનો હુમલો આવતા સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.
આ અંગેની વિગત મુજબ પ્રથમ બનાવ કાલાવડ તાલુકાના નિકાવામાં આવેલા ચારણવાસમાં રહેતા અને માલધારીનો વ્યવસાય કરતાં બાલાભાઇ માલવિયાની પત્ની લખુબેનનું સાત વર્ષ અગાઉ અવસાન થયું હતું. માતાના મૃત્યુ બાદ આઘાતમાં રહેતી પુત્રી નાથીબેન બાલાભાઈ માલવિયા (ઉ.વ.27) નામની યુવતી માનસિક બીમાર થઈ ગઈ હતી. દરમિયાન શુક્રવારે સવારના સમયે પાણીના વોંકળા પાસે આવેલા લીમડાના ઝાડની ડાળીમાં પ્લાસ્ટિકની દોરી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ ઘટનાની મૃતકના પિતા બાલાભાઈ દ્વારા જાણ કરાતા હેકો જી.આઈ. જેઠવા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ કાલાવડમાં આવેલા આંબેડકરનગર શેરી નં.5 માં રહેતાં પ્રવિણભાઈ મેઘજીભાઈ દેગડા (ઉ.વ.69) નામના પ્રૌઢને શુક્રવારે રાત્રિના સમયે તેના ઘરે હૃદયરોગનો હુમલો આવતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેમનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પુત્ર વિપુલભાઈ દ્વારા જાણ કરાતા હેકો વી.ડી.ઝાપડિયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.