Friday, December 27, 2024
Homeરાજ્યહાલારખંભાળિયામાં લુટેરી દુલ્હનનો ભોગ બનતો વેપારી યુવાન

ખંભાળિયામાં લુટેરી દુલ્હનનો ભોગ બનતો વેપારી યુવાન

પરપ્રાંતીય યુવતી સહિત છ સામે છેતરપિંડી સબબ ફરિયાદ

- Advertisement -

ખંભાળિયામાં રહેતા અને સગાઈ- લગ્નની ઉંમર ધરાવતા યુવાને પરપ્રાંતીય યુવતી સાથે લગ્ન કર્યા બાદ આ મહિલા દાગીના લઈને નાસી છૂટતા આ સમગ્ર પ્રકરણમાં મહારાષ્ટ્રની યુવતી સહિત કુલ છ સામે વિશ્વાસઘાત અને છેતરપિંડી સબબ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- Advertisement -

આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયાના મધુરમ સોસાયટી વિસ્તારમાં આવેલા દત્તાણી નગર ખાતે રહેતા અને ખંભાળિયા તાલુકાના સલાયા ગામે અનાજ કરિયાણાની દુકાન ધરાવતા રવિ સુભાષભાઈ આયા નામના 31 વર્ષના યુવાન છેલ્લા ઘણા સમયથી સગાઈ લગ્ન માટે યુવતી જોતા હોય, કોઈ કારણોસર તેમના તેમની સગાઈ થતી ન હતી.

આ દરમિયાન આશરે બે માસ પહેલા લાલપુર તાલુકાના નાંદુરી ગામે રહેતા સંજય વાળંદ તથા અજય આહીર સાથે રવિની મુલાકાત થઈ હતી અને ઉપરોક્ત બંને યુવાનોએ રવિને જણાવ્યું હતું કે કોઈની સગાઈ થતી ન હોય તો અમે બહારની છોકરીઓ સાથે સગાઈ કરાવી આપીએ છીએ. ત્યારબાદ રવિએ પોતાની સગાઈ થતી ન હોવાથી સંજય અને અજય સાથે આગળની વાતચીત બાદ આ શખ્સોએ જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં રહેતી રેણુકા ઉર્ફે આરતી ઝરેકર નામની મહિલા સાથે સંપર્ક કરાવ્યો હતો.

- Advertisement -

રેણુકાએ લાલપુર ખાતે રહેતી બે છોકરીઓ રવિને બતાવી હતી. પરંતુ આ બંને તેને પસંદ આવી નહોતી. ત્યારબાદ ગત 15 જાન્યુઆરીના રોજ રેણુકાએ રવિને જામનગરની તળાવની પાળ ખાતે બોલાવી અને ત્યાં રહેતી તેણીની માસી ઉષાબેન જમનભાઈ (રહે. દડીયા, તા. જામનગર) તથા તેની સાથે રહેલા રમેશ આહિર (રહે. સાધના કોલોની)એ મહારાષ્ટ્ર રાજ્યના પુણે વિસ્તારની રોલી અનિલ સોનવણે નામની યુવતી સાથે મુલાકાત કરાવી હતી. જે રવિને પસંદ આવતા તેઓના લગ્ન કરવાનું નક્કી થયું હતું.

ત્યાર બાદ તા. 16 જાન્યુઆરીના રોજ ખંભાળિયામાં મામલતદાર કચેરી પાસે ઓફિસ ધરાવતા એક વકીલની ઓફિસે નોટરી રજીસ્ટર કરાવી અને લગ્ન થયા હતા. અને નક્કી થયા મુજબ રેણુકાને રૂપિયા એક લાખ રોકડા આપવામાં આવ્યા હતા. ત્યાર બાદ લગ્નના બીજા દિવસે તારીખ 17 મીના રોજ રવિ તથા રોલી દ્વારકા ફરવા ગયા હતા. પરંતુ ગત તા. 18 જાન્યુઆરીના રોજ રોલી બજારમાં ખરીદી કરવા ગયા બાદ ક્યાંક નાસી ગઈ હતી અને રોલી તથા લગ્નમાં સાથે રહેલા મહિલાઓ વિગેરેના ફોન નો રીપ્લાય આવતા રવિને પોતાની સાથે દગો થયો હોવાનું ધ્યાને આવ્યું હતું. રોલી પાસે રવિએ આપવામાં આવેલા રૂપિયા 86,500 ની કિંમતના સોના-ચાંદીના દાગીના હોવાનું પણ જાહેર થયું છે.

- Advertisement -

આ સમગ્ર બનાવવા અંગે રવિ આયાની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે રોલી અનિલ, રેણુકા ઉર્ફે આરતી ઝરેકર, રમેશ આહીર, ઉષાબેન જમનભાઈ, સંજય વાણંદ અને અજય આહીર સામે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી કુલ રૂપિયા 1,86,500 નો મુદ્દામાલ મેળવી લેવા સબબ આઈ.પી.સી. કલમ 406, 420 તથા 114 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. આ અંગે પી.એસ.આઈ. આઈ.આઈ. નોયડા દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular