નેપાળના પોખરાથી રવાના થયેલી વિશાળ શાલીગ્રામની શિલાઓ અયોધ્યા પહોંચી ગઇ છે. જયાં આ શિલાઓનું પૂજન સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ શિલાઓને હાલ કાર્યશાળામાં રાખવામાં આવી છે. મંદિર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપતરાયે જણાવ્યું હતુ કે, મૂર્તિ બનાવવાના નિષ્ણાંતો આ શિલાઓનું પરિક્ષણ કરશે અને ત્યારબાદ આ શિલામાંથી રામલલ્લાની મૂર્તિના નિર્માણ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે. આ શિલાઓ નેપાળની ગંડકી નદીમાંથી લાવવામાં આવી છે. શાલીગ્રામની શિલાઓમાંથી બનાવવામાં આવતી મૂર્તિઓ હજારો લાખો વર્ષ સુધી યથાવત રહેતી હોવાનું માનવામાં આવે છે. શિલાના પરિક્ષણનું કામ બે મહિનામાં પૂર્ણ કરવામાં આવશે. નેપાળના પૂર્વગૃહમંત્રી વિમલેન્દ્રનિધી પણ અયોધ્યા પહોંચી ગયા છે.તેમના જણાવ્યા અનુસાર પુરાતત્વ વિભાગ દ્વારા પરિક્ષણ કર્યા બાદ જ આ શિલાઓ પસંદ કરવામાં આવી છે.