બજેટના લાભા-લાભ લોકો સુધી પહોંચાડવા માટે ભાજપના કેન્દ્રીય નેતાઓ 50 શહેરોમાં પ્રેસ કોન્ફરન્સ કરશે. ભાજપના પ્રમુખ જેપી નડ્ડાએ દેશના તમામ જિલ્લાઓમાં કેન્દ્રીય બજેટ પર ચર્ચા, પ્રેસ કોન્ફરન્સ અને સેમિનાર કરવા માટે પક્ષના મહાસચિવ સુનીલ બંસલ, કિસાન-યુવા પાંખના વડાઓ સહિત નવ સભ્યોની ટાસ્ક ફોર્સની રચના કરી છે. જેની અધ્યક્ષતા ભાજપના વરિષ્ઠ નેતા સુશીલ મોદી કરશે. પાર્ટીના નેતાઓએ જણાવ્યું હતું કે સંસદમાં બજેટ રજૂ થયાના એક દિવસ બાદ બુધવારે તમામ ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ પ્રેસ કોન્ફરન્સ કરશે. જે રાજ્યોમાં પાર્ટી સત્તામાં નથી ત્યાં બીજેપી યુનિટના વડા અને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પ્રેસ કોન્ફરન્સ કરશે.
તેમણે કહ્યું કે કેન્દ્રીય બજેટમાં જાહેર કરાયેલી જોગવાઈઓને લોકો સુધી લઈ જવા માટે નરેન્દ્ર મોદી સરકારના મંત્રીઓ દેશના 50 મોટા શહેરોમાં પ્રેસ કોન્ફરન્સ કરશે. બજેટ રજૂ થયા બાદ ભાજપના પ્રવક્તાઓની બેઠક પણ અપેક્ષિત છે. બજેટ પરના કાર્યક્રમોને આખરી ઓપ આપવા અને બ્લુ પ્રિન્ટ નક્કી કરવા માટે સોમવારે ભાજપ મુખ્યાલયમાં રચાયેલી ટાસ્ક ફોર્સની બેઠક મળી હતી.