ધ્રોલ પંથકમાં છેલ્લાં એક સપ્તાહથી અકસ્માતોની ઘટનાઓ અવિરત બની રહી છે. જેમાં લોકોના મૃત્યુ નિપજવાના બનાવો સતત બને છે. દરમિયાન સોમવારે રાત્રિના સમયે ધ્રોલ તાલુકાના ભેંસદડ નજીક અજાણ્યા વાહનચાલકે ઠોકર મારતા બાઈકસવાર યુવકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, ધ્રોલ પંથકમાં છેલ્લાં એક સપ્તાહથી વાહન અકસ્માતોની ઘટનામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. બીજી તરફ કડકડતી ઠંડીનું પ્રમાણ પણ યથાવત રહેતાં રાત્રિના સમયે અકસ્માતોની ઘટનાઓ વધી ગઇ છે હાલમાં જ ધ્રોલ પંથકમાં મોરબી રોડ પર અકસ્માતોમાં અડધો ડઝનથી વધુ લોકોના મોત નિપજ્યા છે. જ્યારે ધ્રોલ તાલુકાના ભેંસદડ ગામ નજીક સોમવારે મોડીસાંજના સમયે જીજે-03-ડીએલ-2649 નંબરની બાઈકના ચાલકને પૂરઝડપે બેફીકરાઇથી આવતા અજાણ્યા વાહનચાલકે હડફેટે લઈ પછાડી દેતા યુવકને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત યુવકને સારવાર મળે તે પહેલાં જ મોત નિપજ્યું હતું. આ અકસ્માતમાં ઘવાયેલા અન્ય યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને સ્થળ પરથી જ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી નાશી ગયેલા વાહનચાલક વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ માટે તપાસ આરંભી હતી.