ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની શ્રેણીની બીજી ટી-20 મેચ લખનૌના ઈકાના સ્ટેડિયમ પર રમાઈ હતી. આ પીચ પર 100 રન બનવાના પણ ફાંફા પડી ગયા હતા. જો કે ટીમ ઈન્ડિયાએ માંડ માંડ આ મેચ જીતીને શ્રેણી 1-1થી બરાબર કરી હતી. આ પીચ પર બેટિંગ કરવી બિલકુલ સરળ નહોતી. મેચ બાદ પીચને લઈને જોરદાર હંગામો શરૂ થઈ જતાં ઉત્તર પ્રદેશ ક્રિકેટ એસોસિએશને પીચ ક્યુરેટરને કાઢી મુક્યો છે.
મેચ બાદ હાર્દિક પંડ્યાએ આ પીચને આંચકાજનક ગણાવી હતી. આ વિકેટ પર 39.5 ઓવરમાં કુલ 200 રન બન્યા હતા. હાર્દિક રાંચીની જેએસસીએ સ્ટેડિયમની પીચને લઈને પણ નારાજગી વ્યક્ત કરી હતી. પંડ્યાએ કહ્યું હતું કે બન્ને મેચોની વિકેટ ટી-20 રમવાને લાયક નહોતી.સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઈકાના સ્ટેડિયમના પીચ ક્યુરેટરે આ મુકાબલા માટે કાળી માટીવાળી બે પીચ તૈયાર કરી હતી આમ છતાં ભારતીય ટીમ મેનેજમેન્ટે અંતિમ સમયે ક્યુરેટરને લાલ માટીવાળી નવી પીચ તૈયાર કરવા માટે કહ્યું હતું. ઓછા સમયમાં નવી પીચને યોગ્ય રીતે તૈયાર કરી શકાય તેમ નહોતી. ટીમ ઈન્ડિયાના બોલિંગ કોચ પારસ મ્હામ્બ્રેએ પણ પીચની જોરદાર ટીકા કરી હતી.