ગત રવિવારે સમગ્ર ગુજરાતમાં લેવાનારી સ્પર્ધાત્મક પરીક્ષાનું પેપર ફૂટતા સરકારી નોકરી મેળવવા માટે રાજ્યના આશરે સાડા નવ લાખ જેટલા ઉમેદવારોએ તનતોડ મહેનત કરી અને તેઓની વ્યાપક તૈયારીઓ ઉપર પાણી ફરી વળ્યું છે. જેના અનુસંધાને સમગ્ર ગુજરાતમાં વિરોધ વંટોળ સાથે વિદ્યાર્થી સંસ્થા એબીવીપી દ્વારા પણ ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે.
ખંભાળિયામાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરોએ રાજ્યના મુખ્યમંત્રીને સંબોધીને લખેલા એક પત્રને અહીંની જિલ્લા કલેકટર કચેરી ખાતે સુપ્રત કરી માંગ કરી છે કે આ કૌભાંડમાં સંડોવાયેલા આરોપીઓના પ્રિન્ટિંગ પ્રેસ, કોચિંગ ક્લાસીસ તેમજ સંપત્તિની સરકાર દ્વારા હરાજી કરી અને સમાજમાં કડક દાખલો બેસાડવો જોઈએ.
સ્પર્ધાત્મક પરીક્ષા તંત્રમાં યોગ્ય અધિકારીઓ તેમજ શિક્ષણવિદોની ખાલી પડેલી મહત્વની જગ્યાઓ પર તાકીદે નિયુક્તિ કરવી જોઈએ. જેથી આવા ગંભીર પ્રશ્ર્નો ઉપસ્થિત થતા અટકાવી શકાય.