ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જુનિયર કલાર્કની પરીક્ષાનું પેપર લીક થતાં પરીક્ષા રદ્ કરવામાં આવતાં આ પરીક્ષા આગામી 30 દિવસની અંદર લેવા, નિવૃત્ત ન્યાયાધિશની અધ્યક્ષતામાં એસઆઇટીની રચના કરવા જવાબદારો સામે શિક્ષાત્મક પગલા લેવા, આગામી વિધાનસભામાં આ બાબતે કાયદો પસાર કરવા સહિતની માગણીઓને લઇ એનએસયુઆઇ અને યુવક કોંગ્રેસ દ્વારા આજરોજ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જામનગર યુવક કોંગ્રેસ પ્રમુખ ડો. તૌસિફખાન પઠાણ, એનએસયુઆઇ જામનગર પ્રમુખ રવિરાજસિંહ ગોહિલ, એનએસયુઆઇ ગુજરાત મહામંત્રી મહિપાલસિંહ જાડેજા તથા 78-વિધાનસભા યુવક કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ જેઠવા સહિતના હોદ્દેદારો-કાર્યકરોએ આવેદનપત્ર પાઠવી જો ઉપરોક્ત માગણીને સ્વિકારવામાં નહીં આવે તો વિદ્યાર્થીઓને સાથે રાખી ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચાર હતી.