અદાણી ઇફેકટને કારણે છેલ્લા બે દિવસથી કડાકાનો સામનો કરી રહેલા શેરબજારમાં આજે પ્રારંભિક કલાકમાં જબરી ઉથલ પાથલ મચી હતી. સેન્સેકસમાં આ દરમ્યાન 900 પોઇન્ટની વધઘટ થઇ હતી. સેન્સેકસ ઉંચામાં 59644 તથા નીચામાં 58706 થઇને 125 પોઇન્ટના ઘટાડાથી 59204 સાંપડયો હતો.
શેરબજારમાં મુખ્ય નજર અદાણી ગ્રુપના શેરો પર જ રહી હતી જેમાં એકાદ શેરને બાદ કરતા બાકીમાં ગાબડા યથાવત રહ્યા હતા. એફપીઓ ધરાવતા અદાણી એન્ટરપ્રાઇઝના શેરમાં 110 રૂપિયાનો ઉછાળો હતો અને 2870 સાંપડયો હતો.
જયારે અદાણી પોર્ટ 7 રૂપિયાને 603.50 હતો તેની સામે અદાણી ટ્રાન્સમીશનમાં 20 ટકાની ઉંધી સર્કિટ હતી અને 1611.40 સાંપડયો હતો. અદાણી ગ્રીન એનર્જી 17 ટકા ગગડીને 1222 સાંપડયો હતો. અદાણી ટોટલ ગેસ 20 ટકાના કડાકાથી 2342.40 સાંપડયો હતો. અદાણી ગ્રુપને શેરબજારમાં અસર યથાવત રહી હોય તેમ મોટી વધઘટ હતી.