જામનગર મહાપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં રૂા. 2.49 કરોડના વિકાસકામોને મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત શહેરમાં જુદી જુદી જગ્યાએ નવા 14 સ્પિડ બ્રેકર મુકવાનું પણ મંજૂર કરવામાં આવ્યું છે.
ચેરમેન મનિષ કટારીયાના અધ્યક્ષસ્થાને શુક્રવારે યોજાયેલી સ્થાયી સમિતિની બેઠકમાં વિકાસકામોની જુદી જુદી 22 જેટલી દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી હતી. જેમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા માટે સળીયા તથા ગ્રેબીંગ મશીન ખરીદવા રૂા. 20 લાખ, શહેરના વોર્ડ નં. 5,9,13 અને 14માં બગીચાઓની સુધારણા માટે રૂા. 5 લાખનું ખર્ચ મંજુર કરવામાં આવ્યું હતું. જ્યારે વોર્ડ નં. 4 અને 12ના વિસ્તારોમાં નવી સ્ટ્રિટલાઇટ પોલ સાથે નાખવા માટે રૂા. 13.39 લાખનું ખર્ચ મંજૂર કરવામાં આવ્યું હતું.
જામ્યુકોની જુદી જુદી શાખાઓ માટે કોમ્પ્યુટર સ્ટેશનરી ખરીદવા માટે રૂા. 6 લાખના ખર્ચને બહાલી આપવામાં આવી હતી. આ ઉપરાંત મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત જુદા જુદા ઝોનમાં રસ્તા, પાણીની પાઇપલાઇન, ગટર વગેરેના કામને પણ મંજૂરી આપવામાં આવી હતી. આ ઉપરાંત નર્સિંગ હોમ રજીસ્ટ્રેશન એકટ અન્વયે બનાવવામાં આવેલા પેટા કાયદાઓ મંજૂર કરી ભલામણ સાથે જનરલ બોર્ડમાં મુકવાનું ઠરાવવામાં આવ્યું હતું.
જામનગર શહેરના વિકાસ માટે બનાવવામાં આવનારી ટીપી સ્કીમના સર્વે તથા ડી-માર્કેટેશનની કામગીરી માટે વધારાના રૂા. 50 લાખના ખર્ચને બહાલી આપવામાં આવી હતી. બેઠકમાં વય મર્યાદાના કારણે નિવૃત્ત થતાં ફૂડ સેફટી ઇન્સ્પેકટર પરબતભાઇ ઓડેદરાને નિવૃત્તી સન્માન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જામનગર દક્ષિણના ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરી, ડે.મેયર તપન પરમાર, કમિશનર વિજયકુમાર ખરાડી, ઇન્ચાર્જ ડે.કમિશનર ભાવેશ જાની, આસી. કમિશનર કોમલબેન પટેલ તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.