જામનગર નજીક દરેડ પાસેથી પસાર થતી રંગમતિ નદી પર ખાનગી વ્યક્તિ દ્વારા બનાવવામાં આવતાં ખાનગી પુલની મંજૂરી અંગે તપાસ કરી તે અંગે કાર્યવાહી કરવા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય નીતિન માડમે કમિશનરને રજૂઆત કરી છે.
જામનગર શહેરમાં દરેડ પાસે આવેલા રંગમતિ નદી ઉપર પુલ બનાવવામાં આવી રહ્યો છે. ત્યારે આ પુલ પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા પણ ક્યારેય રજૂઆત કરવામાં આવી નથી. ઉપરાંત આ પુલ મહાનગરપાલિકાના કોઇપણ વિભાગના અધિકારીઓ સ્થળ પર હાજર ન હોય તથા કામ બાબતે સરકારના નિયમ મુજબ કઇ ગ્રાન્ટમાંથી ? કટલાં ખર્ચે? તથા પુલના માપદંડ, કઇ એજન્સી મારફત બનાવામાં આવે છે? તેનું કોઇપણ નોટીસ બોર્ડ ત્યાં જોવા મળેલ નથી. આ પુલની ડિઝાઇન કઇ એજન્સી મારફત તૈયાર કરવામાં આવેલ તથા અંદાજિત ખર્ચ અંગે પણ કોઇપણ અભિપ્રાય આપવામાં આવેલ હોય તો તેની વિગત, મંજૂરીની વિગતો, અખબારોમાં ટેન્ડર પ્રક્રિયાની જાહેર ખબર આપવામાં આવી હોય તો તેની વિગતો જાહેર જનતાને આપવા જામનગર મહાનગરપાલિકાના પૂર્વ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય નીતિન માડમ દ્વારા કમિશનરને લેખિતમાં રજૂઆત કરેલ છે.
ઉપરાંત નીતિન માડમે જણાવ્યું હતું કે, કોઇ સંસ્થા, વ્યક્તિ કે વ્યક્તિઓ દ્વારા આ પુલ સ્વખર્ચે બનાવવામાં આવતો હોય તો તેઓ દ્વારા આ અંગે મંજૂરી માગતો પત્ર ઇન્વર્ડ નંબર સાથે તથા સ્ટે. કમિટી, જનરલ બોર્ડ દ્વારા કોઇ મંજૂરી આપવામાં આવી હોય તો તેની વિગતો પણ જાહેર જનતાને અખબારો દ્વારા પ્રસિધ્ધ કરવી જોઇએ. જામનગર મહાનગરપાલિકા દ્વારા કોઇપણ વિકાસના કામો કરતાં પહેલાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે વિસ્તારમાં કામ કરવાનું હોય તે વિસ્તારના નાગરિકો તથા કામ કરનાર એજન્સી અને અધિકારીઓ હાજર રહી ખાત મુહુર્ત કરતાં હોય છે. તેવું અવાર-નવાર વર્તમાનપત્રમાં પ્રસિધ્ધ થતું હોય છે. પરંતુ આવડા મોટા કામ બાબત કોઇપણ જાતની વર્તમાનપત્રમાં પ્રસિધ્ધી ન થઇ હોય તેથી આ કામ અંગે શંકા ઉત્પન્ન થાય છે. આ કામ કોઇ વ્યક્તિઓ દ્વારા સરકારી જમીન, નદી-નાળા પર રસ્તો બનાવી પોતાના અંગત સ્વાર્થ માટે સરકારી જમીન પર કબજો કરી કામ હાથ ધર્યું હોય તો આ અંગે સરકારના નિયમોનુસાર કાયદેસરની કાર્યવાહી સાત દિવસમાં કરવામાં નહીં આવે તો ઉચ્ચકક્ષાએ કોર્ટ સમક્ષ કાનૂની રાહે પગલા ભરવાની ચિમકી આપવામાં આવી છે.