જામનગર શહેરના ગુલાબનગરમાં વિભાપર રોડ પરના વિસ્તારમાં યુવાને તેના સસરાના ઘરે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે સ્થળ પર પહોંચી જઈ તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં પવનચકકી નાનકપુરી પાસે આવેલા રાવલ વાસમાં રહેતાં શાંતિલાલ વેરશીભાઈ ગોહિલ (ઉ.વ.35) નામનો યુવાન મંગળવારે ગુલાબનગરમાં વિભાપર રોડ પર આવેલા રામવાડી શેરી નં.1 માં તેના સસરાના ઘરે ગયો હતો અને તે દરમિયાન સાસરે જ કોઇ કારણસર સાંજના સમયે લોખંડની આડીમાં ફાળીયું બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. પોતાના ઘરે જમાઈએ આત્મહત્યા કર્યાની જાણ તેમના પરિવારમાં કરી હતી. જેથી મૃતકના ભાઈ સહિતનો પરિવાર ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. આ અંગેની જાણ કરાતા પીએસઆઈ એસ.વી. સામાણી તથા સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને સ્થળ પરથી મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતકના ભાઈ રાયશીભાઈ વેરશીભાઈ ગોહિલના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.