જામનગર મહાનગરપાલિકા અને પોલીસ વિભાગ દ્વારા બે દિવસમાં શહેરમાંથી 54 જેટલા રખઢતા પશુઓને પકડી ઢોર ડબ્બે મોકલવામાં આવ્યા હતાં આ ઉપરાંત બે દિવસમાં સાત આસામીઓ વિરૂધ્ધ જાહેરનામાનો ભંગ કરવા બદલ ફરિયાદ નોંધવામાં આવી હતી.
જામનગર શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ વર્ષો જૂની સમસ્યા છે ત્યારે જામનગર મહાનગરપાલિકા અને પોલીસ વિભાગની સંયુકત ટીમો મારફત શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી રખડતા ભટકતા પશુઓ પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે બે દિવસમાં 54 જેટલા પશુઓ પકડી ઢોર ડબ્બે મોકલવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત પશુ માલિકોને પોતાની માલિકીના પશુઓ જાહેર રોડ-રસ્તા પર ન છોડવા જામનગર મહાનગરપાલિકા દ્વારા તાકીદ કરવામાં આવી છે.
તેમજ જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં જાહેરમાં ઘાસચારો વેચાણ કરી ઢોર એકત્રિત કરવા, ટ્રાફિક સમસ્યા તેમજ અકસ્માત થવાના સંજોગ ઉભા થતા હોય જાહેરમાં ન્યુસન્સ કરતાં આસામીઓ વિરૂધ્ધ જાહેરનામાનો ભંગ કરવા બદલ બે દિવસમાં સાત એફઆઇઆર નોંધવામાં આવી હતી. જાહેરમાં ઘાસચારાનું વેચાણ કરતા તેમજ ટ્રાફિકને અડચણરૂપ ન્યુસન્સ ફેલાવતા તત્વોને પણ તાકીદ કરવામાં આવી હતી. આ અંગે આગામી સમયમાં પણ ડ્રાઈવ શરૂ કરવામાં આવશે.