જામનગર શહેરમાં પટેલ પાર્ક વિસ્તારમાં રહેતાં દરજી યુવાને તેના ઘરે અગમ્ય કારણોસર જિંદગીથી કંટાળી પંખામાં શાલ વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. જામનગરના રામેશ્વરનગર વિનાયક પાર્ક વિસ્તારમાં રહેતાં વૃદ્ધે તેની માનસિક બીમારીથી કંટાળીને ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં પટેલ પાર્ક ગોકુલદર્શનમાં શેરી નં.4 માં રહેતાં જયદીપભાઇ ગોપાલભાઈ ધામેચા (ઉ.વ.35) નામના દરજી યુવાને અગમ્યકારણોસર શનિવારે બપોરના સમયે તેના ઘરે રૂમ અંદરથી બંધ કરી પંખામાં શાલ વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ બનાવની મૃતકના ભાઈ વિવેક દ્વારા જાણ કરાતા હેકો પી.ટી.જાડેજા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આત્મહત્યાનું કારણ જાણવા તપાસ આરંભી હતી.
બીજો બનાવ, જામનગર શહેરના રામેશ્ર્વરનગર વિનાયક પાર્કમાં ગરબી ચોકમાં રહેતાં ઉમેદસંગ જાલમસંગ જાડેજા (ઉ.વ.60) નામના વૃદ્ધને બે મહિનાથી થયેલી માનસિક બીમારી તથા પંદર દિવસથી પગમાં થયેલા ગેગરીનના કારણે જિંદગીથી કંટાળી જઈ શનિવારે સવારના સમયે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે મૃતકના પુત્ર અજયસિંહ દ્વારા જાણ કરાતા હેકો જે.એચ.મકવાણા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.