યાત્રાધામ દ્વારકા આવતા મોટા ભાગના પ્રવાસીઓ ભગવાન દ્વારકાધીશનાં નિવાસ સ્થાન એટલે કે બેટ દ્વારકા દર્શને જતા હોય છે. ત્યારે ઓખાથી દરિયામાં ફેરી બોટ મારફત બેટ દ્વારકા જવાનું હોવાથી લોકો ફેરીબોટમાં પ્રવાસ ખેડી બેટ દ્વારકા જઈને દર્શનનો લાભ લ્યે છે.
ગુજરાત મેરી ટાઇમ બોર્ડ દ્વારા આ ફેરી બોટનું સંચાલન કરવામાં આવે છે. ગુજરાત મેરી ટાઇમ બોર્ડ દ્વારા હાલ ચાર જેટલી ફેરી બોટના લાયસન્સ આઠ દિવસ માટે રદ કરવામાં આવ્યા છે. સાથે સાથે દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવી છે. આ ચાર જેટલી બોટના ચાલકો દ્વારા પૂરતા સલામતીના સાધનો પ્રવાસીઓને દેખાય તેમ રાખવામાં આવ્યા ન હતા. તો અમુક બોટોમાં કેપેસીટીથી વધુ મુસાફરો બેસાડવામાં આવ્યા હતા.
અમુક બોટના ચાલકો દ્વારા ફરજ પરના કર્મચારીઓ સાથે અયોગ્ય વર્તન કરાતા ગુજરાત મેરી ટાઇમ બોર્ડ દ્વારા આ પગલા લેવામાં આવ્યા હોવાનું પણ કહેવાય છે. ઓખાથી બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી સર્વિસના બોટના ચાર માલિકોને રૂપિયા 500 ઉપરનો દંડ તેમજ આઠ દિવસ માટે લાયસન્સ રદ કરવામાં આવ્યા છે.
આ સમગ્ર નિર્ણય મેરી ટાઈમ બોર્ડના અધિકારી દ્વારા લેવામાં આવ્યો હતો. ફેરી બોટના લાયસન્સ રદ કરાતા બોટના ચાલકોમાં દોડધામ મચી જવા પામી છે.