જામનગર શહેરમાં મોહનનગર આવાસ બિલ્ડિંગ નં.6 માં રહેતાં કડિયા યુવાને દેણુ વધી જવાથી નબળી આર્થિક પરિસ્થિતિને કારણે સંકળામણથી કંટાળી તેના ઘરે ચૂંદડી વડે ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી. જામજોધપુર તાલુકાના નરમાણા ગામમાં રહેતાં પટેલ યુવાને તેના ઘરે કોઇકારણસર હુંકમાં દોરડા વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.
આત્મહત્યાના બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં ગુલાબનગર સામે આવેલા મોહનનગર આવાસ બિલ્ડિંગ નં.6 ના બ્લોક નં.105 માં રહેતા અને મજૂરી કામ કરતા જતિનભાઈ જીતેન્દ્રભાઈ સોલંકી નામના યુવાનની નબળી આર્થિક પરિસ્થિતિ હોવાથી દેણુ વધી જતાં આર્થિક સંકળામણથી કંટાળીને રવિવારે રાત્રિના સમયે તેના ઘરે પંખામાં ચૂંદડી વડે ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે ખસેડવામાં આવતાં જ્યાં ફરજ પરના તબીબોએ મોત નિપજ્યાનું જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પિતા જીતેન્દ્રભાઈ સોલંકી દ્વારા જાણ કરાતા હેકો આર.ડી.ગાંભવા તથા સ્ટાફે હોસ્પિટલે પહોંચી જઈ મૃતદેહને પીએમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી હતી.
બીજો બનાવ, જામજોધપુર તાલુકાના નરમાણા ગામમાં રહેતાં પરેશભાઈ વલ્લભભાઈ ડોંગા (ઉ.વ.45) નામના યુવાને શુક્રવારે સવારના સમયે તેના ઘરે હુકમાં દોરડા વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કરતા યુવાનને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું રવિવારે સાંજના સમયે સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની જાણ થતા હેકો એ.એમ. પરમાર તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.