જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર વસઇ ગામ નજીક આવેલી મોદી સ્કૂલની દિવાલ ટપી ચાર બુકાનીધારી તસ્કરોએ દરવાજાની ગ્રીલનું તાળુ તોડી અંદર પ્રવેશી કરી તિજોરીમાંથી રાખેલી રૂા.20 હજારની રોકડ રકમ અને એક સ્માર્ટ વોચ સહિત રૂા.25 હજારની માલમતા ચોરી કરી ગયા હતાં.
બનાવની વિગત મુજબ, જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર વસઈ ગામ નજીક આવેલી જે.પી. મોદી સ્કૂલમાં શુક્રવારની મધ્યરાત્રિના 02:05થી 02:17 સુધીના 12 મિનિટના સમય દરમિયાન બુકાનીધારી ચાર અજાણ્યા તસ્કરો ત્રાટકયા હતાં અને સ્કૂલની દિવાલ ટપી દરવાજાની ગ્રીલનું તાળુ તોડી અંદર પ્રવેશ કરી ઓફિસમાં રહેલી તીજોરીમાંથી રૂા.20 હજારની રોકડ રકમ અને રૂા. 5 હજારની કિંમતની સ્માર્ટ વોચ મળી કુલ રૂા.25 હજારની કિંમતની માલમતાની ચોરી કરી ગયા હતાં. આ ચોરીની જાણ થતા શાળાના પ્રિન્સીપાલ ઉન્નતીબેન જોશી દ્વારા જાણ કરવામાં આવતા પીએસઆઈ એ.વી. સરવૈયા તથા સ્ટાફે સીસીટીવી ફુટેજ મેળવી તસ્કરોનું પગેરૂ મેળવવા ચક્રો ગતિમાન કર્યા હતાં.