ખંભાળિયા-દ્વારકા હાઈ-વે માર્ગને નવેસરથી બનાવવા માટે ખાનગી કંપની દ્વારા ચાલી રહેલી કામગીરી અંતર્ગત પોતાની જમીનની કપાતનું વળતર ન સ્વીકારીને ભાટિયાના શખ્સે સોશિયલ મીડિયામાં દેકારો કરી, મૂકી પ્રાંત અધિકારીને ધમકી આપ્યાની ફરિયાદ બાદ ગઈકાલે વધુ એક નોંધાયેલી પોલીસ ફરિયાદમાં આ શખ્સે નવા રોડમાં અડચણ પેદા કરી તેમજ તોડફોડ કરીને નુકસાની પહોંચાડી હતી.
આ પ્રકરણ અંગે ખંભાળિયામાં રહેતા અને રોડ નિર્માણ કંપની જી.આર. ઇન્ફ્રાપ્રોજેક્ટમાં સર્વેયર તરીકે ફરજ બજાવતા મહેશભાઈ કારૂભાઈ કરમુર નામના યુવાને કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે રહેતા કાના દેવાત ચાવડા નામના શખ્સ સામે નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે રાજ્ય ધોરીમાર્ગના નિર્માણ માટે સરકાર દ્વારા જી.આર. કંપનીને આપવામાં આવેલા નિર્માણ કામમાં ખંભાળિયા- ભાટિયા- કુરંગા વચ્ચેના આ રોડને નવેસરથી બનાવવાની કામગીરી મોટાભાગે પૂર્ણ થઈ ચૂકી છે.
ત્યારે ભાટિયા ગામના કાનાભાઈ ચાવડા દ્વારા રસ્તામાં માટે કપાતમાં આવતી તેની જમીનનું સરકાર દ્વારા મળવાપાત્ર રૂ. 29 લાખ જેટલું વળતર કોઈ કારણોસર ન સ્વીકારીને સોશિયલ મીડિયા વિગેરે મારફતે વિરોધ કરવામાં આવતો હતો. એટલું જ નહીં, ઉપરોક્ત દ્વારા તેમની જમીન નજીક બનેલા નવા હાઈ-વે માર્ગ પર દોડતા વાહનોનો જીવલેણ અકસ્માત થાય તે રીતે આશરે 200 જેટલા મીટર જેટલા રસ્તા પર સફેદ પથ્થરો મૂકી, અડચણ પેદા કરવામાં આવી હતી. આ ઉપરાંત આરોપી શખ્સે હાઈવે રોડ વચ્ચેની સિમેન્ટ-કોંક્રિટની ફૂટપાયરી પણ ત્રિકમ જેવા હથિયારની મદદથી તોડી પાડી રૂા. 8,000 જેટલું નુકસાન કર્યાનું પણ પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.
આ સમગ્ર બનાવવા અંગે કલ્યાણપુર પોલીસે ભાટિયાના કાના દેવાત ચાવડા સામે આઈ.પી.સી. કલમ 308, 341 તથા ધ પબ્લિક પ્રોપર્ટી ડેમેજ એક્ટરની કલમ મુજબ ગુનો નોંધી, ધોરણસર કાર્યવાહી કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ પૂર્વે ઉપરોક્ત આરોપી સામે દ્વારકાના પ્રાંત અધિકારીએ પણ ફરજમાં રૂકાવટ તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ દ્વારકા પોલીસ મથકમાં નોંધાવી હતી.