ખંભાળિયા – જામનગર માર્ગ પર આવેલા કજૂરડા ગામે મોડી રાત્રીના સમયે એલસીબી પોલીસે ચોક્કસ બાતમીના આધારે એક શખ્સના રહેણાંક મકાનમાં દરોડો પાડી, આ સ્થળે રાખવામાં આવેલો રૂપિયા 9.26 લાખની કિંમતનો 2316 બોટલ વિદેશી દારૂનો તોતિંગ જથ્થો પકડી પાડ્યો હતો. આ પ્રકરણમાં જામનગરના અન્ય એક શખ્સનું નામ પણ ખુલવા પામ્યું હતું.
આ પ્રકરણની પોલિસ સૂત્રો દ્વારા આપવામાં આવેલી વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાની ગુના શોધક શાખા દ્વારા પી.આઈ. કે.કે. ગોહિલની રાહબરી હેઠળ ગુરુવારે રાત્રિના હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એલ.સી.બી.ના હેડ કોન્સ્ટેબલ પ્રદિપસિંહ જાડેજા, જેસલસિંહ જાડેજા તથા સહદેવસિંહ જાડેજાને રાત્રિના આશરે 3:30 વાગ્યાના સમયે મળેલી ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયા – જામનગર રોડ ઉપર આવેલા કજૂરડા ગામે વિજયનગર વિસ્તારમાં રહેતા વિજયસિંહ ઉર્ફે ગેરીયો ઉર્ફે તોતળિયો ભીખુભા જાડેજા નામના 36 વર્ષના શખ્સના રહેણાંક મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો.
આ સ્થળે ચેકિંગ દરમિયાન ઉપરોક્ત આસામીના મકાનમાં બનાવેલી પતરાની બે ઓરડીમાં છુપાવીને રાખવામાં આવેલી મેકડોવેલ નંબર- વન, ઓલ સેશન્સ ગોલ્ડ અને રોયલ ચેલેન્જ કંપનીના પરપ્રાંતિય શરાબના બોક્સ મળી આવ્યા હતા. પોલીસની ગણતરીમાં કુલ જુદી જુદી બ્રાંડની 2316 બોટલ વિદેશી દારૂનો જથ્થો હોવાનું ખુલવા પામ્યું છે.
આમ, કુલ રૂપિયા 9,26,400 ની કિંમતની 2316 બોટલ વિદેશી દારૂ તથા એક મોબાઈલ ફોન સાથે પોલીસે કજૂરડાના વિજયનગર વિસ્તારમાં રહેતા વિજયસિંહ ભીખુભાઈ જીવુભા જાડેજાની અટકાયત કરી, ધોરણસર કાર્યવાહી કરી હતી. આ પ્રકરણમાં પોલીસની પૂછતાછમાં દારૂનો ઉપરોક્ત જથ્થો જામનગર ખાતે રહેતા મહાવીરસિંહ દેવાજી જાડેજા નામના શખ્સ દ્વારા તેની સ્વિફ્ટ મોટરકાર મારફતે બે-ત્રણ ફેરા કરી અને અહીં આ મુદ્દામાલ પહોંચાડવામાં આવ્યો હતો. આથી પોલીસે તેને હાલ ફરાર ગણી, આગળની તપાસ હાથ ધરી છે.
આ સમગ્ર કાર્યવાહી એલસીબીના પી.આઈ. કે.કે. ગોહિલની રાહબરી હેઠળ પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી, એસ.એસ. ચૌહાણ, એ.એસ.આઈ. વિપુલભાઈ ડાંગર, સજુભા જાડેજા, અજીતભાઈ બારોટ, કેશુરભાઈ ભાટીયા અરજણભાઈ મારુ, મસરીભાઈ ભારવાડીયા, ડાડુભાઈ જોગલ, જેસલસિંહ જાડેજા, લાખાભાઈ પિંડારિયા, પ્રદિપસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ ચુડાસમા, ગોવિંદભાઈ કરમુર, મસરીભાઈ, દેવાભાઈ, સચિનભાઈ, હસમુખભાઈ, અરજણભાઈ આંબલીયા, મેહુલભાઈ રાઠોડ વિગેરે દ્વારા કરવામાં આવી હતી.