જામનગર તાલુકાના દરેડ ગામમાં વાછરાડાડાના મંદિર પાસે રહેતાં વેપારી યુવાને છ વ્યાજખોરો પાસેથી લીધેલી વ્યાજની રકમનું 1 કરોડ 25 લાખ વ્યાજ સહિત ચૂકવી આપી હોવા છતાં વ્યાજખોરો દ્વારા રૂપિયાની ઉઘરાણી કરી ઉછીના રૂપિયા આપ્યાનું લખાણ કરાવી કોરા સહી કરેલા ચેકો રિટર્ન કરી ફરિયાદ પણ કર્યાની નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભી હતી.
મળતી વિગત મુજબ જામનગર શહેર અને જિલ્લામાં વ્યાજખોરો વિરૂધ્ધની પોલીસ દ્વારા શરૂ કરાયેલી ઝુંબેશમાં જામનગર તાલુકાના દરેડ ગામમાં વાછરાડાડાના મંદિરની બાજુમાં રહેતાં વેપારી જયરાજસિંહ ચંદુભા જાડેજા નામના યુવાને અઢી વર્ષના સમય દરમિયાન દરેડના જેન્તીભાઈ ગોહિલ પાસેથી 70 હજાર, વિજયસિંહ બહાદુરસિંહ જાડેજા પાસેથી રૂા.1,50,000, મંગળસિંહ બહાદુરસિંહ જાડેજા પાસેથી રૂા.20 લાખ, અનવર જુસબ ખફી પાસેથી રૂા.15 લાખ, જયદીપ ચંદુ ગોસ્વામી પાસેથી રૂા. 2 લાખ અને અર્જુનસિંહ માધુભા કેર પાસેથી રૂા. 4 લાખની રકમ 20% ઉંચા વ્યાજે લીધી હતી. આ રકમ યુવાને વ્યાજ સહિત ચૂકવી દીધી હોવા છતાં વ્યાજખોરો દ્વારા રૂા.1.25 કરોડની રકમ મેળવવા માટે ધાક-ધમકી આપી યુવાન પાસેથી સ્ટેમ્પ પેપર ઉપર ઉછીના રૂપિયા આપ્યાનું લખાણ કરી, કોરા ચેકોમાંં સહી કરાવી આ ચેકની કોર્ટમાં ફરિયાદ કરી હતી. ઉપરાંત વધુ રૂપિયાની માંગણી માટે અવાર-નવાર ધાક-ધમકી આપી બળજબરીથી ઉઘરાણી કરતાં હતાં અને રૂપિયા નહીં આપ તો પતાવી દેવાની ધમકી આપી હતી.
વેપારી યુવાનની ફરિયાદના આધારે પીએસઆઈ એમ.એ. મોરી તથા સ્ટાફે જેન્તી ગોહિલ, વિજયસિંહ જાડેજા, મંગળસિંહ જાડેજા, અનવર ખફી, જયદીપ ગોસ્વામી, અર્જુનસિંહ કેર નામના છ શખ્સો વિરૂધ્ધ પોલીસે મની લેન્ડર્સ એકટ હેઠળ ગુનો નોંધી તપાસ આરંભી હતી.