ઓખા મંડળમાં રેલવે કોલોની ક્વાર્ટરમાં રહેતા અને મૂળ ઓડીસા રાજ્યના વિશાખાપટનમ જિલ્લાના રાયગડા તાલુકાના રહીશ એવા સુરેશભાઈ શિવચરણભાઈ મહેર નામના 35 વર્ષના યુવાને આરંભડા વિસ્તારમાં રહેતા છગનભાઈ કંસારા પાસેથી પાંચ ટકા વ્યાજના દરથી રૂપિયા ચાર લાખ લીધા હતા. જેની અવેજમાં તેમણે સોનાના ત્રણ તોલાના બે ચેન આપ્યા હતા. આટલું જ નહીં ફરિયાદી સુરેશભાઈની સહીવાળા પાંચ કોરા ચેક પણ તેઓએ લઈ લીધા હતા.
આરોપી છગનભાઈ કંસારા સાથે તેમના પુત્ર વિશાલ દ્વારા ફરિયાદી સુરેશભાઈને મોતનો ડર બતાવી અને તેમની પાસેનું જી.જે. 37 ઈ. 5760 નંબરનું એક મોટર સાયકલ તથા અન્ય એક મોટરસાયકલ તેમના નામે લોન ઉપર લેવડાવી પોતાના કબજામાં રાખેલું હતું. જેના હપ્તા ફરિયાદી સુરેશભાઈ ભરતા હતા.
આમ, આરોપી પિતા-પુત્ર દ્વારા રૂપિયા ચાર લાખના વ્યાજની મૂળ રકમ સામે રૂપિયા 12,00,000 વ્યાજ સહિત બળજબરીપૂર્વક કઢાવી લઈ, પૈસા પરત આપવા માટે સુરેશભાઈ મહેરને અવારનવાર દબાણ કરવામાં આવતું હતું. આમ, આરોપી શખ્સોએ બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપી, પૈસાની પઠાણી ઉઘરાણી કરવામાં આવતા આ બનાવ અંગે મીઠાપુર પોલીસ મથકમાં વ્યાજ વટાવની વિવિધ કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.
ઓખા મંડળના હમુસર ગામે રહેતા ચંદ્રેશસિંહ સાર્દૂરભા હાથલ નામના 37 વર્ષના હિન્દુ વાઘેર યુવાને ઓખામાં કાર્બન સોસાયટી વિસ્તારમાં રહેતા સંજયભાઈ જેંતીલાલ કનાડીયા નામના શખ્સ પાસેથી આજથી આશરે પાંચ વર્ષ પૂર્વે રૂપિયા 50,000 હાથ ઉછીના લીધા હતા તેના બદલામાં આરોપી સંજયભાઈએ બીઓબીના કોરા ચેકમાં સહી કરાવી લીધી હતી. એટલું જ નહીં એક બુલેટ મોટરસાયકલ પણ તેણે પોતાની પાસે રાખીને મુદ્દલના ત્રણ ટકાના દર મુજબ પ્રતિમાસ રૂ. 1,500 લેખે 30 માસ સુધી રૂપિયા 45,000 નું વ્યાજ પણ તેમણે વસૂલ કર્યું હતું.
એટલું જ નહીં, આરોપી શખ્સ દ્વારા હજુ પણ બળજબરીથી રૂપિયા કઢાવવા માટે ફરિયાદી ચંદ્રેશસિંહનો કાંઠલો પકડી, બુલેટ મોટર સાયકલ પરત ન આપી, કોરા ચેકમાં રૂપિયા બે લાખ જેટલી રકમ ભરી અને બેંકમાં બાઉન્સ કરાવી, વધુ વ્યાજની માંગણી કરતા હોય, આ બનાવ અંગે ઓખા મરીન પોલીસ મથકમાં પઠાણી વ્યાજ વસૂલ કરવા સબબ ગુનો નોંધાયો છે.