કાલાવડ તાલુકાના ધુડશિયા ગામમાં રહેતી યુવતી તેના મિત્ર સાથે ફરવા ગઈ હતી તે દરમિયાન જશાપર ગામ નજીક પહોંચ્યા ત્યારે યુવતીની ચૂંદડી બાઈકના પાછલા વ્હીલમાં આવી જતાં ફસાઈ જવાથી રોડ પર પટકાતા અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
ચેતવણીરૂપ અકસ્માતના બનાવની વિગત મુજબ કાલાવડ તાલુકાના ધુડશિયા ગામમાં મચ્છુમાતાજીના મંદિરની બાજુમાં રહેતા રાજુભાઈ વડેચા નામના યુવાનની પુત્રી હેતલબેન નામની યુવતી મંગળવારે સાંજના સમયે તેના મિત્ર ખેંગાર મુંધવા સાથે બાઈક ફરવા ગઈ હતી અને તે દરમિયાન કાલાવડ તાલુકાના જશાપર ગામ નજીકના માર્ગ પરથી પસાર થતા હતા ત્યારે ચાલુ બાઈકે હેતલબેનની ચુંદડી અકસ્માતે બાઈકના પાછલા વ્હિલમાં આવી ફસાઈ જતાં યુવતી ખેંચાઈને રોડ પર પટકાઈ હતી. જેના કારણે યુવતીને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ ઘવાયેલી યુવતીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં બુધવારે સવારના સમયે યુવતીનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકની માતા રેખાબેન દ્વારા જાણ કરાતા હેકો પી.એન.સોઢા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.