કાલાવડ તાલુકાના નાના વડાળા ગામના વાડી વિસ્તારમાં ખેતમજૂરી કામ કરતી યુવતી પાકમાં દવાનો છંટકાવ કરતી હતી તે દરમિયાન ઝેરી અસર થતા રાજકોટની સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, મહિસાગર જિલ્લાના મોટા અંબેલા ગામના વતની અને કાલાવડ તાલુકાના નાના વડાળા ગામના વાડી વિસ્તારમાં ખેતમજૂરી કામ કરતી શીતલબેન મહેશભાઇ કટારા (ઉ.વ.22) નામની યુવતી ગત તા.13 ના રોજ સવારના સમયે ખેતરના પાકમાં દવાનો છંટકાવ કરતી હતી ત્યારે વિપરીત અસર થવાથી તબિયત લથડતા સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું બુધવારે સવારના સમયે મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પિતા મહેશભાઈ દ્વારા જાણ કરાતા હેકો જી.આઈ. જેઠવા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.