જામનગરવાસીઓને સતત બીજા દિવસે ઠંડીમાં કોઇ રાહત મળી નથી. ગઇકાલે મોસમનું સૌથી નીચું 7.5 ડિગ્રી તાપમાન નોંધાયા બાદ આજે પણ ઠંડીનો કબજો યથાત રહ્યો હતો. આજે વહેલી સવારે ન્યુનત્તમ તાપમાન 9 ડિગ્રી નોંધાયું હતું. જેને કારણે સતત બીજા દિવસે જનજીવન ઠીંગરાયેલું રહ્યું હતું. છેલ્લા 1 સપ્તાહથી ઠંડીએ જમાવેલા અડિંગાને કારણે વહેલી સવારે કામ પર જતાં લોકોની હાલત કફોડી બની છે. જયારે ઠંડીની અસર શાળાએ જતાં બાળકોની સંખ્યા પર પણ જણાઇ રહી છે. ફૂટપાથ પર રહેતાં લોકોની મુશ્કેલીઓમાં પણ વધારો થયો છે. મોડી રાત્રે અને વહેલી સવારે ઠંડીથી બચવા માટે લોકો તાપણાનો આશરો લઇ રહયા છે. જયારે મોટી ઉંમરના લોકોને ઘરમાં જ ઢબુરાઇ રહેવાની ફરજ પડી છે. શ્ર્વાસ અને દમની તકલીફ ધરાવતા દર્દીઓને ઠંડી સીઝનમાં મુશ્કેલી પડી રહી છે. આગામી 48 કલાક સુધી જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કોલ્ડવેવ યથાવત રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. રાજયના અન્ય વિસ્તારોમાં પણ ઠંડીનું મોજું યથાવત રહયું છે. રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં સતત 3 દિવસથી તાપમાનનો પારો માઇનસ થઇ રહયો છે. જેને કારણે બરફની પાતળી ચાદર છવાઇ જતાં સહેલાણીઓને ઠંડીની મોજ પડી ગઇ છે.