જોડિયા તાલુકાના પીઠડ ગામમાં દરબારગઢ વિસ્તારમાં રહેતાં અને વીજરખીની સીમમાં મજૂરી કામ કરતા બે ભાઈઓ વીજરખી પાસે કપડા અને કરિયાણાની ખરીદી કરવા માટે ઉભા હતા તે દરમિયાન રીક્ષા રોકવા જતાં સમયે યુવાનને પૂરઝડપે આવતી કારે ઠોકરે ચડાવતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જોડિયા તાલુકાના પીઠડ ગામના દરબારગઢ વિસ્તારમાં રહેતાં અને હાલ વીજરખીની સીમમાં અલીભાઈના ખેતરમાં મજૂરી કામ કરતાં દિલાવર લાડકા અને તેનો મોટો ભાઈ રહીમભાઈ લાડકા બંને ભાઈઓ રવિવારે સવારના સમયે કપડા અને કરિયાણાની ખરીદી કરવા જામનગર આવતા હતાં ત્યારે વીજરખીના પાટીયા પાસે ઉભા રહી રીક્ષા રોકતા હતાં તે સમયે જીજે-03-ડીજી-6909 નંબરની અલ્ટો કારના ચાલકે તેની કાર 5ૂરઝડપે બેફીકરાઇથી ચલાવી રહીમભાઈ કરીમભાઈ લાડકા (ઉ.વ.40) નામના યુવાનને હડફેટે લેતા માથામાં અને શરીરે ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું સોમવારે મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના ભાઈ દિલાવર દ્વારા જાણ કરાતા હેકો એચ.બી.પાંડવ તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી કારચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.


