દેશભરમાં લોકોમાં ટ્રાફિકના નિયમો પ્રત્યે જાગૃતિ વધે અને માર્ગ અકસ્માતોનું પ્રમાણ ઘટાડી શકાય તે હેતુથી દરવર્ષે રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવતી હોય છે. જે અંતર્ગત, આ વર્ષે જાન્યુઆરી મહિનામાં 33માં રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જામનગર આર.ટી.ઓ. કચેરી, જિલ્લા ટ્રાફિક પોલીસ શાખા અને ટ્રાફિક એજ્યુકેશન સોસાયટીના સંયુક્ત ઉપક્રમે રકતદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
આવતીકાલે તા.17 જાન્યુઆરીના રોજ સવારે 10થી સાંજના 05:00 દરમિયાન આર.ટી.ઓ. કચેરી એરપોર્ટ રોડ, નાઘેડી, જામનગર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. માનવ જિંદગી એ અમૂલ્ય છે જેનો કોઈ વિકલ્પ નથી. એક વખત રક્તદાન કરવાથી આપ 3 વ્યક્તિની જિંદગી બચાવી શકો છો. તેથી જામનગરની જાહેર જનતાને આ રક્તદાન શિબિરમાં બહોળા પ્રમાણમાં ભાગ લેવા માટે પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી, જામનગર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.