કરૂણા અભિયાન અંતર્ગત વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ ખીજડીયા પક્ષી અભ્યારણની મુલાકાત લીધી હતી. તેઓએ ખીજડીયા પક્ષી અભ્યારણ કેમ્પ ખાતે કાર્યરત કરવામાં આવેલ બર્ડ રેસક્યુ સેન્ટરની મુલાકાત લઇ કેમ્પ ખાતે થઈ રહેલ પક્ષીઓની સારવાર અને બચાવની કામગીરી નીહાળી હતી અને જરૂરી સમીક્ષા કરી હતી. તેમજ તેઓએ પ્રાકૃતિક શિક્ષણ શિબિર કેમ્પ સાઈટની પણ મુલાકાત લીધી હતી અને નિરીક્ષણ કર્યુ હતું.
અત્રે ઉલ્લેખનિય છે કે કરૂણા અભિયાન 2023 અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા જામનગર જિલ્લામાં કુલ 32 કલેક્શન સેન્ટરો કાર્યરત કરવામાં આવ્યા હતાં. જેમાં વન વિભાગ, પશુપાલન વિભાગ તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓનો સહયોગ પ્રાપ્ત થયો હતો. આ તમામ સેન્ટર ઉપર 25 ડોક્ટર તથા 150 થી વધારે સ્વયંસેવકોએ પોતાની સેવા આપી હતી.
મકરસંક્રાંતિ દરમિયાન જામનગર જિલ્લામાં કુલ 51 પક્ષીઓને રેસક્યુ કરવામાં આવ્યા જેમાંથી 45 કબૂતર, એક પેલિકન, એક બગલો તેમજ એક હોલીની સારવાર કરી આ પક્ષીઓને નવજીવન આપવામાં આવ્યું હતું.
મંત્રીની આ મુલાકાત દરમિયાન તેઓની સાથે મરીન નેશનલ પાર્ક, જામનગરના નાયબ વન સંરક્ષક અગ્નિશ્ર્વર વ્યાસ, મદદનીશ વન સંરક્ષક આર.એમ. પટેલ, ખીજડીયા રેન્જ ફોરેસ્ટ ઓફિસર દક્ષાબેન વઘાસીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.