ભારતના અનુભવી ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાને ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ ચાર ટેસ્ટ મેચની શ્રેણીના પ્રથમ બે મુકાબલા માટે ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો છે. જાડેજા પાછલા વર્ષે એશિયા કપ દરમિયાન ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. આ પછી તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરી શક્યો નથી. જાડેજાએ બે ટેસ્ટ માટે પસંદ થયેલી ટીમમાં તો જગ્યા મેળવી લીધી છે પરંતુ તેના પહેલાં તેને ફિટનેસ સાબિત કરવા માટે કહેવામાં આવ્યું છે. આ માટે તે રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્ર વતી રમશે.
24થી 27 જાન્યુઆરી સુધી સૌરાષ્ટ્રની રણજી ટીમ એલિટ ગ્રુપ ‘બી’માં તમીલનાડુ વિરુદ્ધ રમશે. આ મુકાબલો ચેન્નાઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ પર રમાશે. અહેવાલો પ્રમાણે જાડેજાને આ મેચ માટે સૌરાષ્ટ્ર ટીમમાં રાખવામાં આવશે. એશિયા કપમાં ઈજાગ્રસ્ત થયા બાદ જાડેજાના ઘૂંટણની સર્જરી કરવામાં આવી હતી જે અત્યારે નેશનલ ક્રિકેટ એકેડેમી (એનસીએ)માં રિહેબિલિટેશન માંથી પસાર થઈ રહ્યો છે. પસંદગીકારોએ સ્પષ્ટ કહ્યું છે કે, જાડેજાની પસંદગી ઉપર ત્યારે જ વિચાર કરવામાં આવશે જ્યારે એનસીએ તેની ફિટનેસને માન્ય રાખશે. જાડેજાએ કથિત રીતે આ સપ્તાહની શરૂઆત બેટિંગ અને બોલિંગથી શરૂ કરી છે પરંતુ પ્રતિસ્પર્ધી ક્રિકેટ માટે તૈયાર અને ઉપલબ્ધ રહેવા માટે તેણે ફિટનેસ ટેસ્ટ પાસ કરવો જ પડશે. જાડેજા ટેસ્ટ ક્રિકેટમાં ભારત માટે નીચલા ક્રમે શાનદાર બેટિંગ કરે છે. તે ટીમને સંતુલિત કરી રહ્યો છે. ખાસ કરીને પંતની ગેરહાજરીમાં નીચલા ક્રમે તેના જેવા અનુભવી ખેલાડીનું હોવું જરૂરી છે.