જામનગર શહેરમાંથી વધતી જતી બાઈકચોરી ડામવા માટે હાથ ધરાયેલી ઝુંબેશ અંતર્ગત સિટી સી ડીવીઝન પોલીસ સ્ટાફે બે ચોરાઉ બાઈક સહિતના ત્રણ બાઈક કબ્જે કરી બે તસ્કરોની પૂછપરછ આરંભી હતી.
બાઈક ચોરીના બનાવની વિગત મુજબ જામનગર શહેરમાંથી વધતા જતાં બાઇકચોરીના બનાવને કાબુમાં લેવા માટે પોલીસ દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહી અંતર્ગત હેકો જાવેદ વજગોર, પો.કો. વિપુલ સોનાગરા અને ખીમશીભાઈ ડાંગરને મળેલી બાતમીના આધારે પોલીસવડા પ્રેમસુખ ડેલુની સુચનાથી ડીવાયએસપી વરુણ વસાવાના માર્ગદર્શન હેઠળ પીઆઈ પી.એલ.વાઘેલા અને એન.એ.ચાવડા તથા સ્ટાફે સાધના કોલોનીમાં રહેતાં અને અભ્યાસ કરતા ભરત નારણ ફફલ તથા નવાગામ ઘેડમાં રહેતાં મુકેશ ગીરધર પરમાર નામના બે તસ્કરો ઉપર વોચ ગોઠવી દબોચી લીધા હતાં. બન્ને પાસેથી પૂછપરછ દરમિયાન પોલીસે રૂા.80000 ની કિંમતના ત્રણ બાઈક કબ્જે કર્યા હતાં. જે પૈકીના બે બાઈક ચોરાઉ હોવાનું ખુલ્યું હતું. જેથી પોલીસે બન્નેની વધુ પૂછપરછ આરંભી બાઈક કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી.