જામનગર તાલુકાના લાખાબાવળ ગામના પાટીયા નજીકથી ચાલીને રસ્તો ઓળંગતા સમયે પૂરઝડપે બેફીકરાઈથી આવતા બાઈકસવારે યુવકને હડફેટે લઇ ગંભીર ઈજા પહોંચતા તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવ બાદ પોલીસે બાઈકસવાર વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી. જામનગરના મોરકંડા ગામના પાટીયા નજીક રસ્તો ક્રોસ કરતા સમયે મહિલાને એકટીવાચાલકે હડફેટે લેતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગરના સરમતમાં રહેતો કરણભાઈ બોરડીયા (ઉ.વ.25) નામનો યુવાન ગત તા.13 ના રોજ રાત્રિના સમયે લાખાબાવળ ગામના પાટીયા પાસેથી રસ્તો ક્રોસ કરતો હતો તે દરમિયાન જીજે-37-એ-8944 નંબરના બાઈકસવારે પોતાનું બાઈક બેફીકરાઈથી ચલાવી કરણને ઠોકર મારી હડફેટે લેતા ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માત બાદ ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતક કરણના પિતરાઈ સુરેશભાઈ દ્વારા જાણ કરાતા પીએસઆઇ એ.વી. સરવૈયા તથા સ્ટાફ હોસ્પિટલે અને ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી સલાયાના બાઈકસવાર હિરેન બારોટ વિરુધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, જામનગર તાલુકાના મોરકંડા ગામના પાટીયા નજીકથી સાંજના સમયે ગત તા.18 ડિસેમ્બરના રોજ ઘરેથી વાડીએ જતાં સમયે મહિલા રસ્તો ક્રોસ કરવા જતાં હતાં તે દરમિયાન પૂરઝડપે બેફીકરાઇથી આવતા જીજે-05-એફએમ-9016 નંબરના એકટીવા ચાલકે મહિલાને ઠોકર મારી પછાડી દેતા માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માત બાદ ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવતાં જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતક મહિલાના પતિ મનજીભાઈ લીલાપરા દ્વારા જાણ કરાતા પીએસઆઇ એમ.એ.મોરી તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહને પીએમ માટે મોકલી એકટીવાચાલક વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.