જામજોધુપર તાલુકાના મેઘપર ગામમાં રહેતાં અને બ્રાસપાર્ટમાં મજૂરી કામ કરતા તથા ખેતી કરતા પ્રૌઢના પુત્ર એ ભાણવડના વ્યાજખોર પાસેથી છ લાખની રકમ વ્યાજે લીધી હતી આ રકમનું વ્યાજ કે મુદલ ચૂકવી ન શકતા વ્યાજખોર સહિતના નવ શખ્સોએ પ્રૌઢનું અપહરણ કરી પુત્રના સહી વાળા 13 ચેક તથા ખેતરનો વેચાણ સોદાખત કરાવી પચાવી પાડતા યુવાન પુત્રએ દવા પી આપઘાતનો પ્રયાસ કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી. જામનગર શહેરમાં રહેતાં વેપારી યુવાન પાસેથી ચાર વ્યાજખોરોએ બળજબરીપૂર્વક સહી કરેલા કોરા ચેક પચાવી પાડયાની ફરિયાદ નોંધાઈ છે.
રાજ્યભરમાં વ્યાજખોરી ડામવા ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે તે અંતર્ગત જામનગર શહેર અને જિલ્લામાં પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ દ્વારા જુદાં-જુદાં વિસ્તારો અને ગામોમાં જનસભાઓ અને લોકદરબાર યોજી વ્યાજખોરોના ચક્રવ્યૂહોમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે અપીલ કરવામાં આવી રહી છે. આ ઝુંબેશને બહોળો પ્રતિસાદ સાંપડી રહ્યો છે. જેમાં ગુરૂવારે એક જ દિવસમાં છ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી અને બીજા દિવસે વધુ બે ફરિયાદ નોંધાઈ છે. જેમાં પ્રથમ ફરિયાદ જામજોધપુર તાલુકાના મેઘપર ગામના વતની અને હાલ જામનગરના નવાનગર વિસ્તારમાં વૃજધામ સોસાયટીમાં રહેતાં ખેતી અને બ્રાસપાર્ટમાં મજૂરી કામ કરતા ગોવિંદભાઈ પાથર નામના પ્રૌઢના પુત્ર ચેતનએ ભાણવડના રણજીતપરા વિસ્તારના સંદિપ પુંજાભાઈ પાસેથી છ લાખ રૂપિયા વ્યાજે લીધા હતાં. આ રકમનું વ્યાજ કે મુદ્લ ચેતન ચૂકવી શકતો ન હતો. જેથી વ્યાજખોરો દ્વારા અવાર-નવાર પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી. પરંતુ ચેતન એકપણ રકમ ચૂકવી શકયો નહતો.
દરમિયાન સંદિપ પુંજા તથા દિનેશ પુંજા સોલંકી, હમીર પીપરોતર, જયસુખ કારેણા, પુંજા જેસા સોલંકી, નીતિન પુના કારેણા, રમેશ કારેણા સહિતના નવ શખ્સોએ એકસંપ કરી ચેતનના પિતાના જામજોધપુર તાલુકાના મેઘપર ગામમાં આવેલા ખેતરે આવી પઠાણી ઉઘરાણી કરી અપશબ્દો બોલી પતાવી દેવાની ધમકી આપી હતી. તેમજ ખેતરેથી ગોવિંદભાઈ પાથરની અર્ટીંગા કારમાં બળજબરીથી અપહરણ કરી પ્રૌઢના ઘરે લઇ જઇ ઘરમાં પ્રવેશ કરી ગોવિંદભાઈના પુત્ર ચેતનની સહિ વારા 13 ચેક પડાવી લીધા હતાં અને પ્રૌઢ પાસેથી બળજબરીપૂર્વક ખેતરના વેચાણ સોદાખત પુંજા જેસા સોલંકી નામના કરાવી લીધા હતાં. ખેતર પચાવી પાડયા બાદ અવાર-નવાર રકમ અને વ્યાજની પઠાણી ઉઘરાણી કરતાં વ્યાજખોરોના માનસિક ત્રાસથી ચેતન ગોવિંદભાઈ પાથર (ઉ.વ.27) નામના યુવાને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
આ ઘટના બાદ હાલમાં જ પોલીસ વિભાગ દ્વારા હાથ ધરાયેલા વ્યાજખોરો સામેની ઝુંબેશમાં ગોવિંદભાઈ દ્વારા જામજોધપુર પોલીસપંથકમાં જાણ કરાઈ હતી. જેના આધારે પીઆઈ એમ.એન. ચૌહાણ તથા સ્ટાફે પ્રૌઢના નિવેદનના આધારે સંદિપ પુંજા તથા દિનેશ પુંજા સોલંકી, હમીર પીપરોતર, જયસુખ કારેણા, પુંજા જેસા સોલંકી, નીતિન પુના કારેણા, રમેશ કારેણા અને અર્ટીગા કારનો ચાલક તથા પુંજા સોલંકીના મોટા દિકરા સહિતના નવ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
બીજો બનાવ, જામનગર શહેરના 32 દિગ્વીજય પ્લોટ વિસ્તારમાં રહેતા વિમલ કિશોર કનખરા નામના વેપારી યુવાને કપીલ સુભાષ કનખરા, કેતન ઉર્ફે પીછી ભરત નાખવા, સંજય બચુ કનખરા, નિરવ પ્રકાશ નંદા નામના ચાર શખ્સો પાસેથી જુદાં-જુદાં વ્યાજના દરે રકમ લીધી હતી. આ રકમ અને વ્યાજની બળજબરીપૂર્વક ઉઘરાણી કરી વિમલ પાસેથી જામીનગરી પેટે સહીવારા કોરા ચેક લખાવી લીધા હોવાની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઈ વી.આર. ગામેતી તથા સ્ટાફે ચાર વ્યાજખોરો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.