વિશ્વમાં 2023માં મંદીની વિશ્વ બેન્કની આગાહી વચ્ચે નાણામંત્રી નિર્મલા સીતારામને જો મંદી આવશે તો તે તેમાં વિશ્ર્વના દેશોનું કર્જ સંકટ જ જવાબદાર હશે તેવું જણાવવાની સાથે ચેતવણી આપી હતી કે આ દેશો જેઓ કર્જ સંકટમાં ડૂબતા જાય છે તે અન્ય દેશોને પણ અસર કરશે અને આ આર્થિક મંદીના કારણે ફરી લાખો લોકો ગરીબી રેખાની નીચે ધકેલાઈ જશે.
હાલમાં જ વિશ્વ બેન્કે 2023માં મંદીને ટાળી શકાશે નહી તેવું વિધાન કર્યુ હતું અને દિલ્હીમાં વોઈસ ઓફ ગ્લોબલ સાઉથના વર્ચ્યુઅલ શિખર સંમેલનને નાણામંત્રી સીતારામને જણાવ્યું હતું કે હાલના રાજકીય તનાવ અને 2020 બાદની કોરોના મહામારીના કારણે વૈશ્વિક દેશોના કર્જની માત્રા વધારી છે અને સૌથી વધુ ચિંતા તેનાથી આર્થિક અસુરક્ષતાનું વાતાવરણ પેદા થયું છે અને તેના કારણે વૈશ્વિક મંદી આવી શકે છે.
સીતારામને કહ્યું કે વૈશ્વિક સ્તરે દેવાના કારણે જે અસુરક્ષાની સ્થિતિ બની છે તે વધી રહી છે. આપણે જોઈ શકીએ છીએ કે અનેક દેશોના અર્થતંત્ર વિદેશી દેવા પરત ચૂકવણીમાં, ખાદ્ય સહિતની આયાતોમાં અને ઈંધણની જરૂરિયાતો પુરી કરવામાં અસમર્થ બની રહ્યા છે. તેઓએ જણાવ્યું કે ભારત મજબૂતીથી માને છે કે કોઈ પહેલી કે ત્રીજી દુનિયાનું હવે અસ્તિત્વ હોવું જોઈએ નહી આપણે સૌ ફકત એક જ દુનિયા છે અને સૌનું ભવિષ્ય સંયુક્ત રીતે નિર્ભર કરે છે અને સૌનું ભવિષ્ય પણ એક જ છે.
નાણામંત્રીએ જણાવ્યું કે કોવિડ મહામારી બાદ વિશ્વ ફરી સામાન્ય દિશામાં આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યું છે આ સમયે જ વૈશ્વિક મંદી ઉપરાંત આપણે જલવાયુ પરિવર્તન અને અનેક ક્ષેત્રિય રાજકીય તનાવ, યુદ્ધ જેવા પડકારો પણ છે જે આપણા વિકાસ તથા આર્થિક પ્રગતિને પ્રભાવિત કરી શકે છે અને તેનાથી સર્જાયેલી અસુરક્ષતાની સ્થિતિનો આપણે મજબૂત પ્રતિભાવ આપવાનો છે.