ભારતમાં હવે કોરોનાના અંતની સત્તાવાર જાહેરાત કરવા કેન્દ્ર સરકારની ટાસ્કફોર્સે ભલામણ કરી છે. સાથે-સાથે ભલામણમાં દેશના તમામ લોકોને બુસ્ટર ડોઝની જરૂર નહીં હોવાનું પણ જણાવ્યું છે. ચીન સહિતના દેશોમાં કોરોના સંક્રમણના સતત વધતા કેસ તથા નવા વેરીએન્ટ અને સબ વેરીએન્ટની ચિંતા વચ્ચે ભારતમાં જે રીતે કોરોનાના નવા કેસ અત્યંત નિયંત્રણમાં છે અને ત્રણ આંકડામાં જ રહ્યા છે તે બાદ હવે કેન્દ્ર સરકાર નિયુક્ત નિષ્ણાંતોની ટાસ્ક ફોર્સે ભારતમાં કોરોનાના અંતની સતાવાર જાહેરાત કરવા તથા તમામને ફરી બુસ્ટર ડોઝ આપવાની કવાયત નહી કરવા. ઉપરાંત ફકત જેઓને કદી કોરોનાનું સંક્રમણ લાગ્યુ જ નથી તેવાં લોકોને જ વેકસીન આપવા અને વધુમાં વધુ ગંભીર કોમોર્બીડીટી ધરાવતા લોકોને વધારાનો ડોઝ આપવા ભલામણ કરી છે. પેનલે જણાવ્યું છે કે જેઓને અગાઉ એક કે વધુ વખત કોરોનાનું સંક્રમણ લાગી ચૂકયું છે.
અને જેઓએ વેકસીન લઈ લીધી છે તેઓને હવે ફરી સંક્રમણની શકયતા નહીવત છે અને કદાચ તેઓ સંક્રમિત થાય તો પણ તેઓ અન્યને સંક્રમિત કરે તેવી શકયતા લગભગ નથી. જેથી હવે બુસ્ટર ડોઝ આપવાથી કોઈ વધારાના લાભ થશે નહી. ઈન્ડીયન પબ્લીક હેલ્થ એસો., ઈન્ડીયન એસો ઓફ પ્રિવેન્ટીવ એન્ડ સોશ્યલ મેડીસીન તથા ઈન્ડીયન એસો. ઓફ એપીડેમીઓલોજીસ્ટીક દ્વારા જે ટાસ્કફોર્સ બનાવવામાં આવી હતી. તેની પેનલ દ્વારા આ મંતવ્ય વ્યક્ત કરાયું છે. જેમાં જણાવ્યું છે કે હવે કોરોનાનો રોગચાળાનો અંતની જાહેરાત કરવી જોઈએ અને વેકસીન તથા ફાર્મા કંપનીએ કોરોના કે તેવા કોઈ સમાન રોગ માટેનો ગેરલાભ ન લે તે જોવા જણાવ્યુ છે. વેકસીનેશન હવે ફરી જેઓને કદી કોરોનાનું સંક્રમણ ન થયું હોય તેને અથવા ગંભીર કોમોબિડીટી ધરાવતા વ્યક્તિને જરૂર પડે તો જ આપવા જણાવ્યુ છે. નિષ્ણાંતોએ જણાવ્યું કે કુદરતી ઈન્ફેકશન એ હાલની વેકસીન કરતા વધુ સારુ રક્ષણ આપતા એન્ટીબોડી પેદા કરે છે.