ઉત્તરાખંડના જોશીમઠ વિસ્તારમાં અનેક મકાનોમાં લાંબી તિરાડો પડી ગઇ છે. આ સમગ્ર વિસ્તાર જમીનમાં સરકી રહ્યો હોવાથી મકાનોમાં તિરાડો પડી રહી હોવાનો લોકો દાવો કરી રહ્યા છે. આ પરિસ્થિતિ વચ્ચે સરકાર આ વિસ્તારને ખાલી કરાવવાની પ્રક્રિયા શરૂ કરી ચુકી છે અને મુખ્યમંત્રી પુષ્કર ધામીએ લોકોને ખાતરી આપી છે કે જેમના પણ મકાન ખાલી કરાવવામાં આવ્યા છે તેમને બજારની કિમતના આધારે જ વળતર આપવામાં આવશે, ઓછુ વળતર નહીં આપીએ. જોશીમઠમાં આશરે ત્રણ હજારથી વધુ પરિવારને અસર થઇ રહી છે. તેથી તેઓને હાલ સરકાર તરફથી તાત્કાલિક સહાય પણ મળી રહી છે. સરકારે જાહેરાત કરી છે કે બજારના ભાવના આધારે જ મકાન અને જમીનનું વળતર આપવામાં આવશે. હાલ તાત્કાલીક સહાય તરીકે પ્રત્યેક પરિવારને 1.5 લાખ રૂપિયા આપવામાં આવશે. તેથી ત્રણ હજાર પરિવારને કુલ આશરે 45 કરોડ રૂપિયા તાત્કાલિક ધોરણે આપવામાં આવશે. સાથે જ મુખ્યમંત્રીએ ખાતરી આપી હતી કે હાલ મકાન તોડવામાં નહીં આવે. પણ લોકોને સુરક્ષીત સ્થળે ખસેડવામાં આવશે. સાથે જ જે બાકીનું વળતર છે કે બજાર કિમતોના આધારે લોકોના અભિપ્રાય બાદ નક્કી કરવામાં આવશે. ઉત્તરાખંડના જોશીમઠમાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેમાં લોકોને સરકાર કેવી સહાય કરી રહી છે તેનો દાખલો દેશમાં જોવા મળે તે પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે તેવો દાવો મુખ્યમંત્રીએ કર્યો હતો.
જે લોકોના મકાન ભયજનક સ્થિતિમાં છે તેમને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે એક સુરક્ષિત વ્યવસ્થા ઉભી કરવા માટે મુખ્યમંત્રી ધામીએ મુખ્ય સચિવને આદેશ આપ્યા છે. બીજી તરફ લોકોનો આરોપ છે કે આ વિસ્તારમાં જે ટનલ બનાવવામાં આવી છે તેને કારણે જમીન સરકી રહી છે અને મકાનો તુટી રહ્યા છે. જોકે આ દાવાને એનટીપીસીએ નકારી દીધો છે, અધિકારીઓએ મંત્રાલયને એક રિપોર્ટ સોપ્યો છે તેમાં કહ્યું છે કે જે વિસ્તારમાં મકાન તુટી રહ્યા છે તે વિસ્તાર ટનલથી એક કિમી દૂર છે અને આ વિસ્તારથી ટનલ જમીનમાં 600 મિટર નીચે છે. તેથી ટનલને કારણે આ વિસ્તારમાં તિરાડો નથી પડી રહી.