હરિયાણાના પાનીપત જિલ્લામાં આજે સવારે સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. આ અકસ્માતમાં છ લોકોના મોત થઈ ગયા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે સવારે રસોઈ બનાવતી વખતે સિલિન્ડરમાં આગ લાગી ગઈ હતી. રૂમનો દરવાજો ન ખુલતા એક જ પરિવારના છ લોકોએ આ ઘટનામાં જીવ ગુમાવ્યો છે. મૃતકોમાં દંપતિ સહિત તેમની બે પુત્રી અને બે પુત્ર સામેલ છે. ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો. મૃતદેહોને શબઘરમાં મોકલી દેવામાં આવ્યા છે. આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ છે. પાનીપતમાં સિલિન્ડર બ્લાસ્ટમાં 6 લોકોના મોતથી વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. મૃતકો પાનીપત તહેસીલ કેમ્પ વિસ્તારમાં ભાડે રહેતા હતા. સિલિન્ડરમાં આગ કેવી રીતે લાગી તે હજુ સ્પષ્ટ થયું નથી. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને મામલાની તપાસ હાથ ધરી છે. આ અગાઉ મધ્યપ્રદેશના સતનામાં પણ સિલિન્ડર બ્લાસ્ટનો કંપાવનારો વીડિયો સામે આવ્યો હતો. રવિવારે સવારે એક રેસ્ટોરન્ટમાં રાખેલા ગેસ સિલિન્ડરમાં આગ લાગ્યા બાદ જોરદાર વિસ્ફોટ થયો હતો. જેના કારણે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
જોધપુરમાં જાન જતા પહેલા ઘરમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 50 થી વધુ લોકો ખરાબ રીતે દાઝી ગયા હતા. આ ઘટનામાં અત્યાર સુધીમાં 24 લોકોના મોત થયા છે. ઘણા લોકો હજુ પણ હોસ્પિટલમાં જીવન-મરણની લડાઈ લડી રહ્યા છે. ત્યાં લગ્ન સમારોહમાં રસોઈ બનાવતી વખતે સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો.