વિશ્વ બેંકે ચાલુ વર્ષનો વિકાસ અંદાજમાં અર્ધોઅર્ધ ઘટાડો કર્યો છે અને વૈશ્વિક અર્થતંત્રની મંદીની ચેતવણી ઉચ્ચારી છે. ભારતનો વિકાસદર 6.6 ટકા રહેવાનુ અનુમાન દર્શાવ્યુ છે. વિશ્વ બેંકે જુનમાં દર્શાવેલા અંદાજ કરતા અર્ધી ગતિએ જીડીપી વિકાસદર 1.7 ટકા જ રહેવાનુ નવા રીપોર્ટમાં જણાવ્યું છે અને છેલ્લા ત્રણ દાયકામાં 2009-2020 પછી સૌથી ખરાબ વર્ષ રહેવાની લાલબતી ધરી છે. 2024ના વિકાસદરના અંદાજમાં પણ કાપ મુકતા વિશ્વ બેંકે રીપોર્ટમાં એમ દર્શાવ્યું છે કે ઉંચા ફુગાવા તથા ઉંચા વ્યાજદરને કારણે આ હાલત સર્જાશે. રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધ તથા રોકાણમાં ઘટાડો પણ અસરકર્તા બનશે. વર્લ્ડબેંકના વડા ડેવિડ મલ્પાસ્સે અર્ધવાર્ષિક રિપોર્ટમાં જણાવ્યું હતું કે વિકાસ આડેના અવરોધ-કટોકટી વધુ ગંભીર બની રહ્યા છે.