રણજી ટ્રોફીમાં એક નવો ઈતિહાસ રચાઈ ગયો છે. પહેલીવાર આ ટૂર્નામેન્ટમાં મહિલાઓને અમ્પાયરિંગ કરવાની તક મળી છે. પૂર્વ સ્કોરર વૃંદા રાઠી, પૂર્વ સોફ્ટવેર એન્જીનિયર જનની નારાયણન અને પૂર્વ ખેલાડી ગાયત્રી વેણુગોપાલને રણજી ટ્રોફીમાં અમ્પાયર તરીકે ડેબ્યુ કર્યું છે. વેણુગોપાલન જમશેદપુરમાં ચાલી રહેલી ઝારખંડ-છત્તીસગઢ, નારાયણન સુરતમાં રેલવે-ત્રિપુરા અને વૃંદા રાઠી પોરવોરિમમાં ગોવા-પોંડીચેરી વચ્ચે રમાઈ રહેલી મેચમાં અમ્પાયરિંગ કરી રહ્યા છે. 36 વર્ષીય જનની નારાયણનને પ્રારંભથી જ ક્રિકેટમાં રસ હતો અને તે ક્રિકેટ સાથે જોડાવા માંગતી હતી. આ માટે તેણે તમીલનાડુ ક્રિકેટ એસોસિએશનનો સંપર્ક કર્યો અને થોડા વર્ષ બાદ ત્યાં નિયમ બદલ્યો અને મહિલાઓને પણ અમ્પાયરિંગની પરવાનગી મળી હતી. આવી જ રીતે 32 વર્ષીય વૃંદા રાઠી મુંબઈમાં સ્થાનિક મેચોમાં સ્કોરરનું કામ કરતી હતી. આ પછી તેણે બીસીસીઆઈની સ્કોરરની પરીક્ષા પાસ કરી હતી. તે 2013માં ભારતમાં રમાયેલા મહિલા વર્લ્ડકપમાં પણ સ્કોરર હતી. ત્યારબાદ તેણે અમ્પાયરિંગ તરફ ઝુકાવ્યું હતું. દિલ્હીમાં રહેનારી 43 વર્ષીય ગાયત્રી વેણુગોપાલન ક્રિકેટર બનવા માગતી હતી પરંતુ ખભાની ઈજાને કારણે તેનું સ્વપ્ન અધૂરૂં રહી ગયું હતું. ત્યારબાદ તેણે 2019માં બીસીસીઆઈની પરીક્ષા પાસ કર્યા બાદ અમ્પાયરિંગ શરૂ કર્યું હતું.