મીઠાપુરમાં આવેલા ચમત્કારી હનુમાનજીના મંદિર ખાતે રવિવારે મોડી રાત્રીના ત્રાટકેલા શખ્સો દ્વારા મંદિરના પૂજારીને બેફામ માર મારી, દાન પેટીમાં રહેલી રોકડ રકમની લૂંટ ચલાવવા સબબ ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસમાં જાહેર થયેલી વિગત મુજબ મીઠાપુર નજીકના આરંભડા સીમ વિસ્તારમાં રહેતા અને મીઠાપુરને કંપનીના મેઈન ગેટ સામે આવેલા ચમત્કારી હનુમાનજીના મંદિરના પૂજારી તરીકે પૂજાપાઠ કરતા હિંમતગર મૈયાગર ગોસાઈ ગામના 72 વર્ષના બાવાજી વૃદ્ધ ગત તારીખ આઠ મી ના રોજ રાત્રિના સમયે આરતી કરી અને અગિયારેક વાગ્યે સૂઈ ગયા હતા ત્યારે મધ્યરાત્રીના સોમવારે આશરે ત્રણેક વાગ્યાના સમયે મંદિરમાં રહેલી દાનપેટીમાં પરચુરણ-છુટા રૂપિયા કાઢવાનો અવાજ સંભળાતા તેઓ સફળતા જાગી ગયા હતા અને પૂજારી હિંમતગર ગોસાઈએ ચોર ચોરની બૂમો પાડવા લાગતા આ સ્થળે રહેલા તસ્કરો નાસી છૂટવા લાગ્યા હતા.
મોડી રાત્રિના સમયે હનુમાનજી મંદિરે ત્રાટકેલા તસ્કરોએ દાન પેટીના નકુચાના તાળા તોડી, તેમાંથી આશરે 3,000 રૂપિયા જેટલી રોકડ રકમ લઈને નાસી છૂટ્યા હતા. આટલું જ નહીં બંને અજાણ્યા શખ્સો દ્વારા પૂજારીને ઢિકા પાટુનો માર મારવામાં આવ્યો હોવાનું પણ પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. ચોરી કરવા આવેલા બે શખ્સોને હિંમતભાઈ પૂજારી જોઈને ઓળખી જશે તેવું વધુમાં જાહેર થયું છે.
આ સમગ્ર બનાવ અંગે મીઠાપુર પોલીસે આઈ.પી.સી. કલમ 323, 380 તથા 457 મુજબ ગુનો નોંધી, આરોપી શખ્સોને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.