જામનગર-લાલપુર બાયપાસ રોડ પર આવેલા મયુર ટાઉનશીપમાં રહેણાંક મકાનમાં બાગબાન 138 નંબરની તમાકુનું ડુપ્લીકેટ બનાવી વેચાણ કરતા સ્થળે સિટી એ ડીવીઝન દ્વારા રેઈડ દરમિયાન રૂા.96000 ની કિંમતની ચીજવસ્તુઓ સાથે શખ્સને ઝડપી લઇ પૂછપરછ કરતા અમદાવાદના બે અને રાજકોટના એક શખ્સની સંડોવણી ખુલતા પોલીસે ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગરમાં મયૂર ટાઉનશીપ વિસ્તારમાં વિભાગ નં. 1 શેરી નં. 2માં મકાન નં. 79/7માં રહેતા ભાવિક રત્નાભાઇ ભંડેરી તેના મકાનમાં ડુપ્લીકેટ તમાકુ બનાવતો હોવાની પો.કો. રવિ શર્મા, ખોડુભા જાડેજા, રૂષિરાજસિંહ જાડેજાને મળેલી સંયુકત બાતમીના આધારે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી વરૂણ વસાવાના માર્ગદર્શન હેઠળપી આઈ એમ.બી. ગજ્જર, પીએસઆઈ બી.એસ.વાળા, હેકો દેવાયતભાઈ કાંબરીયા, મહિપાલસિંહ જાડેજા, રવિન્દ્રસિંહ પરમાર, સુનિલભાઈ ડેર, પો.કો. શિવરાજસિંહ રાઠોડ, રવિરાજસિંહ જાડેજા, યોગેન્દ્રસિંહ સોઢા, વિક્રમસિંહ જાડેજા, ખોડુભા જાડેજા, શૈલેષભાઈ ઠાકરિયા, રાજેન્દ્રસિંહ ડોડિયા, રૂષિરાજસિંહ જાડેજા, રવિભાઈ શર્મા, મહેન્દ્રભાઈ પરમાર સહિતના સ્ટાફે રહેણાંક મકાનમાંથી બાગબાન કંપનીના 138 નંબરના તમાકુના 60 ગ્રામ વજનવાળા 190 નંગ ડબલા કબ્જે કર્યા હતાં. ઉપરાંત બાગબાન 138 તમાકુના 65 ગ્રામ તમાકુના 720 નંગ પાઉચ કબ્જે કર્યા હતાં. જ્યારે બાગબાન 138 તમાકુના 65 ગ્રામ વજનવાળા પાઉચ તૈયાર કરવામ માટેના પ્રિન્ટિંગના 3 નંગ મોટા રોલ પણ મળી આવ્યા હતાં. સાથો-સાથ મકાનમાંથી છૂટક તમાકુ ભરેલા પ્લાસ્ટિકના મોટા-મોટા 10 નંગ પાઉચ મળી આવતા કુલ 96,800ની કિંમતનો જથ્થો કબ્જે કરી ભાવિક રત્નાભાઇ ભંડેરી સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી.
પોલીસની પૂછપરછમાં આ કૌભાંડમાં અમદાવાદના હેમલભાઇ ઠક્કર અને શબીરભાઇ તેમજ રાજકોટના સુશિલભાઇના નામો ખુલતા પોલીસે ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી અમદાવાદ અને રાજકોટના શખ્સની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.