કસ્તુરબા સ્ત્રી વિકાસગૃહ, જામનગર ખાતે રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી રાઘવજીભાઇ પટેલના અધ્યક્ષસ્થાને ‘સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન મેળો’ યોજાયો હતો. જિલ્લા પંચાયતના આઈ.સી.ડી.એસ. વિભાગના ઘટક-1, ઘટક-2, જિલ્લા વહીવટીતંત્ર, રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ, પૂર્ણા યોજના અને બેટી બચાવો બેટી પઢાવો- તેના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કક્ષાના ‘સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન મેળો’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોનું કઠોળના છોડ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. લાભાર્થી દીકરીઓ, વાલીઓને પ્રોત્સાહન પૂરું પાડવા માટે પોષણ કીટ તેમજ મગ ગ્લાસ મહેમાનોના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા. કિશોરીઓનું આરોગ્ય સ્તર સુધરે, તેઓ વિવિધ સરકારી યોજનાઓથી માહિતગાર થાય અને જાગૃત બને તે હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદ્દબોધનમાં મંત્રીએ જણાવ્યું હતું કે, સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન એ આજના સમય માટે ખુબ જ ઉપયોગી સાબિત નીવડશે. મહિલા અને કિશોરીઓના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર સતત કાર્ય કરતી રહે છે. આપણા સમાજમાં આદિકાળથી જ સ્ત્રીઓને પુરુષો કરતા પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. આજે ભારતના સર્વોચ્ચ પદ પર પણ એક મહિલા બિરાજે છે. આજે એવું કોઈ જ ક્ષેત્ર નથી કે જ્યાં બહેનોએ તેમનું કૌવત સાબિત ન કર્યું હોય. બહેનોના હિતની ચિંતા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હૈયે સતત વસેલી છે. રાજ્ય સરકારની સાથોસાથ એ પ્રત્યેક વાલીની પણ જવાબદારી છે કે તેઓ દીકરીઓના વિકાસ માટે જાગૃત-સંગઠિત બને. મંત્રીએ આગળ જણાવ્યું હતું કે, એક દીકરીના જન્મથી લઈને તેના વૃદ્ધાવસ્થા સુધીની તમામ જવાબદારી રાજ્ય સરકાર વહન કરી રહી છે. સગર્ભા માતાઓને કામના સ્થળે સવેતન રજા મળે છે, અને તેમની સરકારી દવાખાનામાં વિનામૂલ્યે પ્રસુતિ કરાવવામાં આવે છે. ખિલખિલાટ એમ્બ્યુલન્સ સેવાનો લાભ આજે દરેક માતા-બાળકને મળે છે. આંગણવાડીમાં બાળકોને પોષણક્ષમ નાસ્તો- રમકડાં અપાય છે, અને વિવિધ પ્રકારનું રસીકરણ કરાવવામાં આવે છે. શાળા પ્રવેસોત્સવ અને શાળા ગુણોત્સવ જેવા કાર્યક્રમોના પરિણામે દીકરીઓનું શિક્ષણ સ્તર સુધર્યું છે. બહેનો માટે ખાસ ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે.
કસ્તુરબા સ્ત્રી વિકાસગૃહના પટાંગણમાં મહિલાઓ-કિશોરીને જાગૃત કરવા માટે વિવિધ માહિતી દર્શાવવા અને માર્ગદર્શનના હેતુસર 6 જેટલા સ્ટોલની રચના કરવામાં આવી હતી. જેમાં હાજર લાભાર્થીઓને 181 અભયમ હેલ્પલાઇન, પાલક માતા પિતા યોજના તેમજ કાયદાકીય યોજનાઓની જાણકારી અપાઈ હતી. તેમજ પૂર્ણા શક્તિ યોજના હેઠળ પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. મંત્રીએ સ્વંય આ સ્ટોલની મુલાકાત લીધી હતી. તેમજ વિવિધ યોજનાઓ વિશે માહિતી મેળવી હતી, અને હાજર અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, કાર્યક્રમમાં કિશોરીઓનું હિમોગ્લોબીન, સુગર સહિત બેઝીક આરોગ્ય તપાસણી કરવા માટે પણ ટીમ ઉપસ્થિત રહી હતી, અને હાજર તમામ લાભાર્થીઓને આરોગ્ય તપાસણી કાર્યક્રમ વિષે માહિતગાર કર્યા હતા અને તેમનું બેઝીક હેલ્થ ચેકઅપ કર્યું હતું.
કાર્યક્રમના અંતે સર્વેએ પોષણ પ્રતિજ્ઞા લીધી હતી. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા, તાલુકા પંચાયત પ્રમુખ હસમુખભાઈ ફાચરા, તાલુકા પંચાયત ઉપપ્રમુખ વિઠ્ઠલભાઈ માંડવીયા, જિલ્લા ગ્રામીણ વિકાસ સમિતિના નિયામક ચૌધરી, જિલ્લા મહિલા અને બાળ અધિકારી જનકસિંહ ડી. ગોહિલ, જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી હંસાબેન ટાઢાણી, સોનલબેન વર્ણગર, રૂકસાદબેન ગજણ, જામનગર તાલુકા વિકાસ અધિકારી સરવૈયાભાઈ, જિલ્લા ખેતીવાડી અધિકારી ગોહિલભાઈ, કસ્તુરબા સ્ત્રી વિકાસગૃહ પ્રમુખ કરસનભાઈ ડાંગર, હીરાબેન તન્ના, જામનગર તાલુકામાંથી આવેલી આશા બહેનો, સખીઓ અને સહ સખીઓ તેમજ બહોળી સંખ્યામાં વાલીઓ અને કિશોરીઓ ઉપસ્થિત રહયા હતા.
કાર્યક્રમની સ્વાગતવિધિ જિલ્લા મહિલા અને બાળ અધિકારી જનકસિંહ ડી. ગોહિલે કરી હતી. કાર્યક્રમની આભારવિધિ તાલુકા વિકાસ અધિકારી સરવૈયાભાઈએ કરી હતી.