ભાણવડ તાલુકાના કાટકોલા ગામે રહેતા ભીખાભાઈ ગોગનભાઈ ગોજીયા નામના 55 વર્ષના આહીર આધેડની પુત્રી ગીતાબેનના લગ્ન આજથી આશરે ત્રણેક વર્ષ પૂર્વે ભાણવડ તાબેના શિવાવાડી વિસ્તારમાં રહેતા સવાભાઈ ઘૂઘાભાઈ રાવલિયાના પુત્ર અમિત સાથે થયા હતા. ગીતાબેનને તેણીના પતિ અમિત સાથે મનદુ:ખ હોવાથી છેલ્લા દોઢેક વર્ષથી તેણી પોતાના પિતા ભીખાભાઈના ઘરે રહેતી હતી.
આ દરમિયાન ગત તારીખ 5 ના રોજ ભીખાભાઈના વેવાઈ સવાભાઈ રાવલિયાએ તેમને અટકાવી અને ‘તમે મારા ઘરની વાતો શું કામ કરો છો?’- તેમ કહેતા ફરિયાદી ભીખાભાઈએ ‘તમારા ઘરની વાતો ક્યાંય કરેલ નથી’- તેમ કહ્યું હતું ત્યારબાદ બનેલા બનાવમાં સવાભાઈ સાથે તેમના બે પુત્રો અમિત અને હેમત ઉપરાંત દુદા દેવરખી રાવલીયા નામના કુલ ચાર શખ્સોએ તેમને અટકાવી અને લાકડાના ધોકા તથા કુહાડા વડે હુમલો કરી, બિભત્સ ગાળો કાઢી, ફરિયાદી ભીખાભાઈ તથા તેમના પત્નીને માર મારી તેમના પુત્રને મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ સ્થાનિક પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
આ સમગ્ર બનાવવા અંગે ભાણવડ પોલીસે પિતા-પુત્રો તથા ભત્રીજા સામે આઈ.પી.સી. કલમ 325, 323, 504, 506 (2), 114 તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.